Anti-Immigration Violence: બ્રિટનમાં હિંસક અથડામણો, સેંકડોની કરાઇ ધરપકડ,

લંડનઃ સમગ્ર બ્રિટનમાં ઇમિગ્રેશન વિરોધી (Anti-immigration violence) હિંસા ફેલાઇ હતી. અત્યાર સુધીમાં બ્રિટિશ પોલીસે ઓછામાં ઓછા 100 વ્યક્તિની ધરપકડ કરી હતી. બ્રિટિશના વડા પ્રધાન કીર સ્ટારમરે હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સમર્થન આપવાની વાત કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટનના અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી. અનેક પોલીસ અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. લિવરપૂલ, માન્ચેસ્ટર, સન્ડરલેન્ડ, હલ, બેલફાસ્ટ અને લીડ્સમાં અનેક સ્થળો પર હિંસા ફાટી નીકળી હતી અને પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ જોવા મળી હતી.
લિવરપૂલમાં દેખાવકારોએ પોલીસ પર બોટલો, ઇંટો ફેંકી હતી. પ્રવાસીઓ રહેતા હોય તેવી હોટલની બારીઓ તોડી નાખી હતી. પ્રદર્શનકારીઓના આ તોફાનના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા.
બ્રિટનના ગૃહ સચિવ યવેટ કૂપરે ભીડને ચેતવણી આપી હતી કે તેઓ આવા “ગુનાહિત અવ્યવસ્થા અને હિંસક ગુંડાગીરી”ની કિંમત ચૂકવશે. બ્રિટનના વડા પ્રધાને બોલાવેલી મંત્રીઓની એક બેઠક બાદ એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમારી પોલીસને અમારા તરફથી સંપૂર્ણ સમર્થન છે. જેથી તેઓ આપણા રસ્તા પર અશાંતિ ફેલાવી રહેલા તોફાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે જે પોલીસ અધિકારીઓ પર હુમલાઓ કરી રહ્યા છે. સ્થાનિક દુકાનદારો અને લોકોમાં ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમગ્ર યુકેમાં મુસ્લિમ વિરોધી ઘટનાઓ પર નજર રાખતા જૂથોએ જણાવ્યું છે કે બ્રિટિશ મુસ્લિમો દ્વારા તેમની સલામતી માટે ચિંતા વ્યક્ત કરતા અહેવાલોમાં વધારો થયો છે. ઘણા લોકો તેમની સ્થાનિક મસ્જિદોની મુલાકાત લેવાથી ડરતા હતા. સ્વીડિશ પત્રકાર પીટર સ્વીડને એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે સરહદ બંધ કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
નોંધનીય છે કે સાઉથપોર્ટમાં ટેલર સ્વિફ્ટ-થીમ આધારિત યોગ ક્લાસ દરમિયાન ચાકુ વડે થયેલા હુમલામાં ત્રણ બાળકીઓના મોત થયા હતા. આ ઘટના બાદ તમામ શહેરોમાં તણાવ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે સાઉથપોર્ટ હુમલાખોર ઇમિગ્રન્ટ મુસ્લિમ હતો, જે ગેરકાયદે રીતે બ્રિટન આવ્યો હતો. આ પછી ઇમિગ્રન્ટ્સ સામે વિરોધ વધ્યો હતો.