વિઝા નિયમોના ભંગઃ બ્રિટનમાં 12 ભારતીય નાગરિકની ધરપકડ
લંડન: બ્રિટિશ ઈમિગ્રેશન અધિકારીઓએ વિઝા શરતોના ઉલ્લંઘનની શંકાના આધારે કાર્યવાહી કરતા 12 ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તેઓ ગાદલા અને કેકના કારખાનામાં ગેરકાયદેસર રીતે કામ કરતા હતા.
બ્રિટિશ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મિડલેન્ડ વિસ્તારમાં ગાદલાના વ્યવસાય સાથે જોડાયેલા એક બિઝનેસમેનને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે તમામ ભારતીયો હતા.
તે સિવાય અન્ય એક કેકની ફેક્ટરીમાં કામ કરતા અન્ય ચાર ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિઝાની શરતોનું ઉલ્લંઘન જણાયું હતું. વધુમાં ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક ભારતીય મહિલાની પણ એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર ગુનેગારોને બ્રિટનમાંથી કાઢી મુકવા અથવા ભારતમાં દેશનિકાલ કરવા પર કોઇ નિર્ણય ના આવે ત્યાં અટકાયતમાં રાખવામાં આવશે. અન્ય આઠને એ શરત પર જામીન આપવામાં આવ્યા છે તે તેઓ નિયમિત રીતે રિપોર્ટ કરશે.
રિપોર્ટ અનુસાર સત્તાવાળાઓએ ગેરકાયદેસર રીતે કામ કરવાના આરોપમાં સાત ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નજીકની કેક ફેક્ટરીમાંથી વધુ ચાર ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ વિઝા શરતોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં હતા. આ સિવાય એક ભારતીય મહિલાની પણ ઈમિગ્રેશન ક્રાઈમના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
દરમિયાન જો સંબંધિત ફેક્ટરીમાં ગેરકાયદેસર કામદારોને રોજગારી આપવામાં આવી હોવાનો આરોપ અને જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી એ સાબિત થાય તો બંને એકમોને દંડનો સામનો કરવો પડી શકે છે.