પાકિસ્તાનમાં નજીવા કારણે હિંદુ યુવકને માર મારતો વીડિયો થયો વાઈરલ…

પાકિસ્તાનમાં હિંદુઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે એનાથી તો આખી દુનિયા વાકેફ છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોએ પાકિસ્તાનમાં હિંદુઓ પર કરવામાં આવતા અત્યાચારની પોલ ખોલી નાખી છે. પાકિસ્તાની મીડિયા ઉદ્યમી સલમાન ફારુખનો એક હિંદુ યુવકને માર મારતો વીડિયો સામે આવ્યો છે. ઘટના પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતા કરાંચીના પોશ વિસ્તારની ડિફેન્સ સોસાયટીની છે. આવો જોઈએ શું છે ઘટના…
બાયોનિક ફિલ્મ્સના માલિક સલમાન ફારુખે એક હિંદુ યુવકને એટલે માર માર્યો હતો કારણ કે તેની મોટર સાઈકલ તેમની કારને અડી ગઈ હતી. હિંદુ યુવકની ઓળખ સુધીર ધુન રાજ તરીકે કરવામાં આવી હતી. ઘટનાનો વીડિયો વાઈરલ થતાં પોલીસે સલમાન ફારુખની ધરપકડ કરી છે.
મીડિયા રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર સુધી પોતાની બહેન કલ્પનાની સાથે ડિફેન્સ સોસાયટી વિસ્તારમાંથી બાઈક પર જઈ રહ્યો હતો. આ સમયે તેની બાઈક અચાનક જ સલમાનની કાર સાથે અથડાઈ હતી. ત્યાર બાદ સલમાન ફારુખ અને તેના બોડીગાર્ડ્સે સુધીરને પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો. સલમાન ફારુખે સુધીરનો હાથ પકડી રાખ્યો હતો અને બોડીગાર્ડ તેને તમાચા મારી રહ્યો હતો. સુધીરની બહેન સલમાન ફારુખને હાથ જોડીને તેના ભાઈને છોડી દેવાની વિનંતી કરી રહી હતી, પરંતુ તેની આજીજી તરફ સલમાને દુર્લક્ષ કર્યું હતું.
આ ઘટના નજરે જોનારા સાક્ષી મોહમ્મદ સલીમની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં સલમાન ફારુખ સામે એફઆઈઆર નોઁધવામાં આવી હતી. ફારુખ પર જાનથી મારવાની ધમકી આપવી, ફિઝિકલ અસોલ્ટ, વર્બલ અસોલ્ટ અને એક મહિલાને પરેશાન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર કરાંચીની એક અદાલતે સલમાન ફારુખ અને બીજા એક આરોપીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાવ્યા છે.