વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ ભવન પાસે ફરી ફાયરિંગ, અજાણ્યા ડ્રોન જોવા મળતાં ફફડાટ

કારાકસઃ વેનેઝુએલાના રાજધાની કારાકસ સ્થિત રાષ્ટ્રપતિ ભવન નજીક ફાયરિંગ અને વિસ્ફોટકના અવાજ સંભાળા હતા. સુરક્ષા દળોએ રાષ્ટ્રપતિ ભવન (મિરાફ્લોરેસ પેલેસ) પર કેટલાક અજાણ્યા ડ્રોન ઉડતાં જોઈને તેના પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે આશરે 8 કલાકે બની હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ હોવાના અહેવાલ છે. સુરક્ષા દળોની કાર્યવાહીના કારણે હવે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી ક્લિપમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાય છે. ઉપરાંત આકાશમાંથી ટ્રેસર ફાયરની તસવીરો પણ સામે આવી છે. જેની મદદથી ડ્રોનને વેનેઝુએલાની સેના તોડી પાડવાની કોશિશ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ સ્થિતિ કાબુમાં છે પરંતુ દેશની રાજધાનીમાં તણાવનો માહોલ છે. આ સમગ્ર ઘટનાક્રમ વાઈસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્સે વચગાળાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધાના ગણતરીના કલાકોમાં જ બન્યો હતો. નિકોલસ માદુરોની અમેરિકાએ સ્પેશિયલ ઓપરેશન અંતર્ગત ધરપકડ કર્યા બાદ તેને ડ્રગ્સ સંબંધિત કેસમાં ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન માદુરોએ તેના પર લગાવવામાં આવેલા આરોપો નકાર્યા હતા અને ખુદને નિર્દોષ જાહેર કર્યો હતો. માદુરોએ ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ હજુ પણ વેનેઝુએલના રાષ્ટ્રપ્રમુખ છે, જોકે ડેલ્સી રોડ્રિગ્ઝે વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ પણ લઈ લીધા છે. ટ્રમ્પ તંત્ર સાથે કામ કરવાનો વાયદો કરીનારી ડેલ્સીને તેના ભાઈ, નેશનલ એસેમ્બલીના નેતા જોર્જે શપથ ગ્રહણ કરાવ્યા હતા.
શપથ ગ્રહણ કર્યા બાદ તેણે કહ્યું,, હું મારા દેશ પર થયેલા ગેરકાયદેસર સૈન્ય આક્રમણ બાદ વેનેઝુએલાના લોકો પર થઈ રહેલા અત્યાચારો બદલ ક્ષમા માંગુ છું. હું બે લોકોના અપહરણ માટે ખેદ વ્યક્ત કરું છું. આ જવાબદારી હું ખૂબ ભારે હૈયે સ્વીકારું છું.
આ પણ વાંચો…વેનેઝુએલાના રાષ્ટ્રપતિના હાલ જુઓ વીડિયોમાં, કોર્ટમાં કયા વેશમાં હાજર કર્યા?



