ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદ બાદ પૂરથી તારાજી, 13 લોકોના મોત, 20 થી વધુ લોકો લાપતા

કર્વિલ : અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. જેમાં ગુઆડાલુપે નદીમાં પૂર આવ્યું હતું. આ નદીમાં આવેલા પૂરના લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યા અને ગર્લ્સ સમર કેમ્પમાં રહેલી 20 થી વધુ છોકરીઓ લાપતા બની છે. જોકે, હોનારત બાદ બચાવ ટીમો હેલિકોપ્ટર અને બોટ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

કર્વિલ કાઉન્ટીમાં રાત્રે 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો

આ અંગે મળતી માહિતી મુજબ કર્વિલ કાઉન્ટીમાં રાત્રે 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે નદીમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવા અનુસાર હન્ટ નજીક ગુઆડાલુપે નદીનું પાણીનું સ્તર માત્ર 2 કલાકમાં 22 ફૂટ સુધી વધી ગયું. હવામાનશાસ્ત્રી બોબ ફોગાર્ટીએ કહ્યું, નદીમાં પાણીનું સ્તર એટલી ઝડપથી વધ્યું કે લોકોને બચાવનો સમય પણ ના મળ્યો. કાઉન્ટી જજ રોબ કેલીએ કહ્યું કે ઘણા લોકોના મૃતદેહ મળી ગયા છે. પરંતુ તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. તેમણે કહ્યું, અમારા પ્રયાસો ચાલુ છે. પરંતુ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે.’

સમર કેમ્પ 23 છોકરીઓ હજુ પણ લાપતા

જ્યારે હંટમાં સ્થિત એક ખાનગી ગર્લ્સ સમર કેમ્પ પૂરની ઝપેટમાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે કેમ્પની 23 છોકરીઓ હજુ પણ લાપતા છે. તેમણે ટેક્સાસના લોકોને છોકરીઓની સલામતી માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. કેમ્પ મિસ્ટે માતાપિતાને એક ઇ-મેઇલ મોકલીને કહ્યું છે કે જે બાળકો મળી આવ્યા છે તેમના પરિવારોને જાણ કરવામાં આવી છે. જો કે, કેમ્પમાં વીજળી, વાઇ-ફાઇ અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે, અને ત્યાં જતો રસ્તો પણ ધોવાઈ ગયો છે. જ્યારે અન્ય બે કેમ્પ, કેમ્પ વાલ્ડેમાર અને કેમ્પ લા જુન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તેમના બધા બાળકો અને સ્ટાફ સુરક્ષિત છે.

પૂર હોનારતના લીધે સ્થિતિ વિકટ

આ પૂર હોનારતના લીધે સ્થિતિ વિકટ છે. તેમજ પૂર અસરગ્રસ્ત પરિવારોની ચિંતા સોશિયલ મીડિયા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એક મહિલાએ ફેસબુક પર લખ્યું કે તેની પુત્રી, જે તેના પતિ અને બે બાળકો સાથે હંટમાં એક કેબિનમાં હતી. તેમનો કોઇ સંપર્ક થયો નથી. કેરવિલે કાઉન્ટી શેરિફ ઓફિસના ફેસબુક પેજ પર લોકોએ ફોટા શેર કર્યા અને તેમના પ્રિયજનોની સલામતી માટે પ્રાર્થના કરી. કેરવિલે અને હન્ટનું પાણી નીચે તરફ વહેતું હોવાથી કેન્ડલ કાઉન્ટી પણ જોખમમાં છે. કમ્ફર્ટમાં શેરિફ ઓફિસે પૂરની ચેતવણી જાહેર કરી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો…બાલી નજીક હોડી દુર્ઘટના: 31 બચાવ્યા, ગુમ લોકોની શોધખોળ ચાલુ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button