USએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, ભારતના આ રાજ્યોમાં નહીં જવા સલાહ આપી
અમેરિકાએ તેના નાગરિકો માટે ભારતની યાત્રાને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતના કેટલાક વિસ્તારોની મુલાકાત લેવા સામે ચેતવણી આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ આતંકવાદ અને હિંસાને કારણે અમુક વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. તેમાં મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ, મણિપુર અને મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. લોકોને ભારતમાં હિંસા અને આતંકવાદના જોખમથી સજાગ રહેવા માટે કહેવામાં આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે હિંસા અને ગુનાખોરીના કારણે મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં પ્રવાસ ન કરો.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને મણિપુરમાં સશસ્ત્ર સંઘર્ષની શક્યતા છે, તેથી આ સ્થળોની મુસાફરી કરવાનું ટાળો. પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ઉગ્રવાદ અને ગુનાખોરીના કારણે અહીં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય સત્તાવાળાઓ જણાવે છે કે ભારતમાં બળાત્કાર સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓમાંનો એક છે. પર્યટન સ્થળો અને અન્ય સ્થળોએ જાતીય હુમલો જેવા હિંસક ગુનાઓ બન્યા છે. આતંકવાદીઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેઓ પ્રવાસન સ્થળો, પરિવહન કેન્દ્રો, બજારો, શોપિંગ મોલ્સ અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવે છે.
અમેરિકી સરકાર પાસે ગ્રામીણ વિસ્તારોમાં અમેરિકન નાગરિકોને ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવાની મર્યાદિત ક્ષમતા છે. અમેરિકી સરકારી કર્મચારીઓને આ જગ્યાઓ પર જવા માટે ખાસ પરવાનગી લેવી પડે છે. આવી સ્થિતિમાં અમેરિકનોએ આવા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઇએ.
નોંધનીય છે કે ભારતમાં પ્રવાસ કરતા યુએસ સરકારી કર્મચારીઓને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ તેમજ આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાના રાજધાની શહેરોની બહારના કોઈપણ વિસ્તારની મુલાકાત લેતા પહેલા પૂર્વ પરવાનગીની જરૂર પડે છે.
Also Read –