અમેરિકાના કેલિફોર્નિયામાં બોમ્બ વિસ્ફોટ, એકનું મોત, આતંકી ષડયંત્રની આશંકા…

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે પામ સ્પ્રિંગ્સમાં એક ક્લિનિકની બહાર થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આ ઘટનાને ઇરાદાપૂર્વકનું આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. આ અંગે એફબીઆઈના લોસ એન્જલસ કાર્યાલયના વડા અકિલ ડેવિસે પ્રેસને જણાવ્યું હતું કે ઘટના સ્થળ પરના ક્લિનિકને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યું હતું.
એફબીઆઈ દ્વારા ગંભીરતાથી તપાસ
એફબીઆઈના લોસ એન્જલસ ફિલ્ડ ઓફિસના સહાયક નિર્દેશક અકિલ ડેવિસે આ ઘટનાને સ્પષ્ટપણે આતંકવાદનું કૃત્ય ગણાવી હતી. તેમણે કહ્યું કે એફબીઆઈ ટીમ આ મામલાની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જેથી તે જાણી શકાય કે આ આંતરરાષ્ટ્રીય આતંકવાદનો કેસ છે કે સ્થાનિક આતંકવાદનો. જોકે તપાસની સંવેદનશીલતાને જોતાં તેમણે હાલમાં વધુ વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો છે.
આ ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની
મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. જે સ્થળે પ્રચંડ વિસ્ફોટ થયો હતો ત્યાં અમેરિકન રિપ્રોડક્ટિવ સેન્ટરની બહાર એક કાર પાર્ક કરેલી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારના ટુકડા થઈ ગયા અને કમનસીબે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઇરાદાપૂર્વકની હિંસાનું કૃત્ય
પામ સ્પ્રિંગ્સ પોલીસ વડા એન્ડી મિલ્સે આ ઘટનાને ઇરાદાપૂર્વકની હિંસાનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે તે એક આયોજિત હુમલો હોય તેવું લાગે છે. આ વિસ્ફોટ બાદ લોકોને તાત્કાલિક અસરથી આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.
વિસ્ફોટમાં ક્લિનિકને કોઇ નુકસાન થયું નથી
આ વિસ્ફોટ અમેરિકન રિપ્રોડક્ટિવ સેન્ટર્સ નજીક થયો હતો. ક્લિનિકના ડિરેક્ટર ડૉ. માહેર અબ્દુલ્લાએ પુષ્ટિ કરી છે કે વિસ્ફોટમાં ક્લિનિકને કોઇ નુકસાન થયું નથી. જોકે, તેમણે રાહત વ્યક્ત કરી કે બધા કર્મચારીઓ સુરક્ષિત છે.
આ પણ વાંચો : શું ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર 10 લાખ પેલેસ્ટિનિયનોને લિબિયામાં સ્થળાંતરિત કરશે ?