…તો ભારત પર વધશે ટેરિફ: અલાસ્કાની બેઠક પૂર્વે અમેરિકાનું નવું નિવેદન…

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બની વચ્ચે હવે વધુ એક અમેરિકી નેતાએ ટેરિફ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે ચેતવણી આપી છે કે જો શુક્રવારે અલાસ્કામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની વાતચીત સકારાત્મક નહીં રહે તો ભારત પરના ટેરિફમાં વધુ વધારો થઈ શકે છે.
બેસેન્ટે જણાવ્યું કે અમેરિકાએ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર કુલ 50% ટેરિફ લગાવ્યા છે, જેમાં 25% વધારાના ટેરિફનો સમાવેશ થાય છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. તેમણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, જો વાટાઘાટો બરાબર નહીં રહે તો પ્રતિબંધો કે વધારાના ટેરિફ વધી શકે છે.
ચીન અને ટેરિફ અંગે બેસેન્ટનું નિવેદન
રશિયન ક્રૂડ ઓઈલના મુખ્ય ખરીદદાર ચીન વિશે પૂછવામાં આવતાં બેસેન્ટે કહ્યું, અમેરિકન રાષ્ટ્રપતિ દબાણ લાવવામાં સૌથી કુશળ છે અને તેઓ પુતિનને સ્પષ્ટ કરી દેશે કે તમામ વિકલ્પો ખુલ્લા છે. ટેરિફ વધારી કે ઘટાડી શકાય છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં બેસેન્ટે કહ્યું, ટેરિફ વધારી પણ શકાય છે, ઘટાડી પણ શકાય છે.
તેની એક ચોક્કસ અવધિ હોઈ શકે છે અથવા તે અનિશ્ચિત કાળ સુધી પણ ચાલુ રહી શકે છે. તેમણે રશિયન જહાજોના છદ્મ કાફલા પર પણ કાર્યવાહી કરવાની સંભાવના વ્યક્ત કરી હતી.
બેસેન્ટે વધુમાં કહ્યું કે ટ્રમ્પ અને પુતિનની મુલાકાત છતાં પણ યુરોપીય દેશોએ “અમારી સાથે જોડાવાની જરૂર છે.” આ નિવેદનો દર્શાવે છે કે અમેરિકા રશિયા સામે કડક વલણ અપનાવવા માટે તૈયાર છે અને તેની અસર ભારત સહિત અન્ય દેશો પર પણ પડી શકે છે.
આ પણ વાંચો…ટેરિફના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ પુતિન સાથે કરી વાત, જાણો એજન્ડા