‘અમેરિકા ઇઝરાયલને બિનશરતી મદદ કરશે પરંતુ…’
હમાસના હુમલા પર પહેલી વાર કમલા હેરિસે આપી પ્રતિક્રિયા
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે તાજેતરમાં યુકેમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. કમલા હેરિસે યુકેમાં પ્રેસ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા ઈઝરાયલને શક્ય તમામ મદદ કરવાનું ચાલુ રાખશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઈઝરાયલમાં 7 ઓક્ટોબરે જે થયું તે કોઈ ભૂલી શકે તેમ નથી.
કમલા હેરિસે એઆઈ કોન્ફરન્સમાં 7 ઓક્ટોબરે ઇઝરાયલમાં થયેલા હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે ઈઝરાયલને લઈને અમેરિકાનું વલણ શું છે. તેના પર અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું હતું કે- અમે ઇઝરાયલનો બચાવ કરવાનું ચાલુ રાખીશું. અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમે ભૂલી શકતા નથી… 7 ઓક્ટોબરે જે બન્યું હતું તે સહન કરી શકતા નથી, જ્યાં સેંકડો નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી…
હેરિસે વધુમાં જણાવ્યું હતું કે, આમાં યુવાનોની પણ હત્યા કરવામાં આવી હતી. તેઓ માત્ર એક કોન્સર્ટમાં ભાગ લેવા માટે અહીં આવ્યા હતા. આવી સ્થિતિમાં, અમે પોતાનો બચાવ કરવા માટે જંગમાં ઉતરેલા ઇઝરાયલને બિનશરતી સમર્થન આપવાનું ચાલુ રાખીશું.