અમેરિકામાં હીરાની નિકાસમાં 50 ટકાનો ઘટાડોઃ યુએઈ, હોંગકોંગ અને યુકે નવા માર્કેટ તરીકે ઉભર્યા…

અમદાવાદઃ અમેરિકા ભારત પર લાદેલા તોતિંગ ટેરિફની અસર તમામ ક્ષેત્રોને થઈ છે. જોકે હાલ સૌથી વધુ અસર હીરા ઉદ્યોગને થઈ છે. ભારતમાંથી કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં હીરાના સૌથી મોટા બજાર અમેરિકામાં નિકાસમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે યુએઈ, હોંગકોંગ અને યુનાઇટેડ કિંગડમમાં નિકાસમાં જબરદસ્ત વધારો થયો હતો.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ મુજબ, યુએઈના બજારમાં સૌથી વધુ 62.53 ટકાનો વધારો થયો હતો. જ્યારે હોંગકોંગના બજારમાં 18 ટકા અને યુકેમાં 17 ટકાનો વધારો થયો હતો. તેની સામે, યુએસ માર્કેટમાં નિકાસમાં 53.62 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
અમેરકાનું માર્કેટ કટ પોલિશ્ડ ડાયમંડ માટે ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે, જે ક્ષેત્રની કુલ નિકાસના લગભગ એક તૃતીયાંશ જેટલું યોગદાન આપે છે. જોકે, ઓગસ્ટથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફને કારણે આ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે.
રિપોર્ટ મુજબ, એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન જેમ્સ અને જ્વેલરીની એકંદરે નિકાસમાં 3.66 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે ભારતીય જેમ અને જ્વેલરીની નિકાસ માટે મહત્ત્વપૂર્ણ ગણાતા યુએસને ટેરિફ-સંબંધિત પરિબળો ને કારણે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન યુએસમાં જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ 40.28 ટકા ઘટી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર 2025માં જેમ્સ અને જ્વેલરીની એકંદરે નિકાસ 6.55 ટકા વધી હતી. જે મહિનાઓની અસ્થિરતા પછી બજારના સુધરતા વલણનો સંકેત આપે છે. આ ઉપરાંત સૂત્રોએ એમ પણ કહ્યું, અમે માત્ર યુએસએ પર આધાર રાખ્યો નથી, અમે અન્ય દેશોમાં વેપારની શક્યતાઓ શોધી કાઢી છે અને સફળતા મેળવી છે. અમે નવા બજારો શોધવાનું ચાલુ રાખીશું. અમેરિકાના ગ્રાહકોએ હીરા અને જ્વેલરીની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી નથી, પરંતુ ચાલુ ટેરિફને કારણે તેમાં ઘટાડો કર્યો છે.
આ ઉપરાંત ભારતમાં ઘરેલું બજારમાં હીરા (કટ પોલિશ્ડ ડાયમંડ અને લેબ ગ્રોન ડાયમંડ)નો વપરાશ પાંચ ટકાથી વધીને 15 ટકાથી વધુ થયો છે (જેમાં મોટાભાગના લેબ ગ્રોન ડાયમંડ છે). નેચરલ ડાયમંડ ઉદ્યોગમાં મંદી દરમિયાન, ડાયમંડ પોલિશરો લેબ ગ્રોન ડાયમંડ તરફ વળ્યા હતા. જે પાછળનું કારણે બંનેમાં કામ એક સરખું જ હોય છે. જોકે, નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં લેબ ગ્રોન ડાયમંડની નિકાસમાં પણ 7.99 ટકાનો ઘટાડો નોંધાયો હતો.