ઇન્ટરનેશનલ

UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતનો દાવો થયો મજબૂત

અમેરિકાએ મસ્કના સમર્થન પર પ્રતિક્રિયા આપી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાના ભારતના પ્રયાસોને હવે વધુ બળ મળી રહ્યું છે. ટેસ્લાના વડા એલોન મસ્કે થોડા સમય પહેલા UNSCમાં ભારતની કાયમી સભ્યપદ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત માટે સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ન હોવું એ વાહિયાત છે. ઈલોન મસ્કના આ નિવેદન બાદ હવે અમેરિકાએ પણ તેમનું સમર્થન કર્યું છે. આ સાથે અમેરિકાએ પણ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગને સમર્થન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે વોશિંગ્ટન પણ ઈચ્છે છે કે યુએનમાં સુધારો કરવામાં આવે, જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે.

બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના યુએનએસસીમાં ભારતની કાયમી બેઠક અંગેના નિવેદન પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના પર તેણે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેન પહેલા પણ આ વિશે વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે યુએન સેક્રેટરીએ પણ આ અંગે માહિતી આપી છે. અમે ચોક્કસપણે UN સુરક્ષા પરિષદ સહિત UN સંસ્થાઓના સુધારાને સમર્થન આપીએ છીએ.


એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક ન મળવા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, “કેટલાક પાસાઓ પર સુધારાની જરૂર છે. સમસ્યા એ છે કે જેની પાસે વધુ સત્તા છે તેઓ તેને છોડવા માંગતા નથી. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત પાસે યુએનમાં કાયમી બેઠક નથી. આ કેટલી વાહિયાત બાબત છે કે ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવામાં આવી નથી.

ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં કાયમી સભ્યપદની માંગ કરી રહ્યું છે. જેથી તે વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ કરી શકે. 15 દેશોની બનેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ કાયમી દેશો પાસે વીટો પાવર છે. જ્યારે 10 અસ્થાયી દેશો બે વર્ષના કાર્યકાળ માટે ચૂંટાય છે. આ પાંચ સ્થાયી દેશોના નામમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button