અમેરિકામાં સાંસદોએ જ કર્યો ભારત પર લાદેલા ટેરિફનો વિરોધ, રદ કરવાની માગ

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટેરિફ વોરનો વિવાદ હવે અમેરિકામાં જ છેડાયો છે. જેના લીધે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ત્રણ સભ્યોએ ભારત પર લાદેલા 50 ટકા ટેરિફને ગેરકાયદે ગણાવતો ઠરાવ રજૂ કર્યો છે અને તેને રદ કરવાની માંગ કરી છે.
પ્રસ્તાવનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય કટોકટીના આદેશને રદ કરવાનો
આ પ્રસ્તાવ ડેબોરાહ રોસ, માર્ક વેસી અને ભારતીય મૂળના કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય કટોકટીના આદેશને રદ કરવાનો છે જેમાં ભારતના અનેક ઉત્પાદનો 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ ટેરિફને ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)હેઠળ લાદવામાં આવ્યો છે.
ઉત્તર કેરોલિનાની અર્થવ્યવસ્થા ભારત સાથે જોડાયેલી
જોકે, ટ્રમ્પના નિર્ણય અંગે નિષ્ણાતો માને છે કે, આ નિર્ણય ન તો અમેરિકન અર્થતંત્રના હિતમાં છે અને ન તો સામાન્ય ગ્રાહકો માટે ફાયદાકારક છે. કોંગ્રેસ વુમન ડેબોરાહ રોસે કહ્યું કે ઉત્તર કેરોલિનાની અર્થવ્યવસ્થા ભારત સાથે જોડાયેલી છે. ભારતીય કંપનીઓએ ત્યાં 1 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે.જેનાથી હજારો નોકરીઓનું સર્જન થયું છે. તેથી ભારત પર ટેરિફ વધારવાથી અમેરિકન નોકરીઓ અને વ્યવસાયોને સીધું નુકસાન થાય છે.
ટેરિફ સામાન્ય અમેરિકનો પર કર જેવો
જ્યારે ટેક્સાસ કોંગ્રેસમેન માર્ક વેસીએ કહ્યું કે આ ટેરિફ સામાન્ય અમેરિકનો પર કર જેવો છે. જેઓ પહેલાથી જ વધતા ફુગાવા સામે ઝઝૂમી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત અમેરિકાનો મહત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે. ત્યારે આવા નિર્ણયો બંને દેશો વચ્ચેના સંબંધોને નબળા પાડે છે.
ગ્રાહકો પર ફુગાવાનો બોજ
આ ઉપરાંત ભારતીય મૂળના કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ પણ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તે સપ્લાય ચેઇનને અસર કરે છે. અમેરિકન વર્કસને નુકસાન પહોંચાડે છે અને ગ્રાહકો પર ફુગાવાનો બોજ વધારે છે. તેમનું માનવું છે કે આ ટેરિફને દૂર કરવાથી અમેરિકા અને ભારત વચ્ચે આર્થિક અને સુરક્ષા સહયોગ મજબૂત થશે.
આ ઠરાવને માત્ર ટ્રમ્પની ટ્રેડ પોલિસી સામે ખુલ્લા વિરોધ તરીકે જ નહીં પરંતુ ભારત-અમેરિકા સંબંધોમાં એક વળાંક તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.



