ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી વૈશ્વિક તણાવમાં વધારો, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના સંકેત

નવી દિલ્હી : ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં અમેરિકાના પ્રવેશથી વૈશ્વિક તણાવમાં વધારો થયો છે. જેની મોટી અસર સોમવારના દિવસે શેરબજાર ખુલશે ત્યારે જોવા મળશે અને તેમજ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી શકે છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધના કારણે પહેલા પણ અમેરિકાથી એશિયા સુધીના બજારો દબાણ હેઠળ હતા. આ દરમિયાન સુરક્ષિત રોકાણ સ્થળ ગણાતા સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના સંકેત
અમેરિકાએ ઇરાનના પરમાણુ સ્થળો પર કરેલા હુમલા બાદ ઇરાને અમેરિકાને ધમકી આપી છે. તેમજ તાત્કાલિક ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા પણ શરૂ કર્યા છે. જોકે, યુદ્ધના વધતા માહોલ વચ્ચે સૌથી મોટી અસર ક્રૂડ ઓઇલના ભાવમાં જોવા મળી શકે છે. જેના લીધે અનેક દેશોમાં આર્થિક સ્થિતિ બગડશે અને ફુગાવો વઘશે. જ્યારે ગત અઠવાડિયા દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ લગભગ 18 ટકા વધ્યા હતા અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 79 ડોલર પર પહોંચી ગયો હતો. જોકે તે પછી તે ઘટીને 77 ડોલર ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI ક્રૂડ ઓઇલ) 75 ડોલર ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
આ પણ વાંચો - અમેરિકાના હુમલા બાદ ઈરાનનો બદલો, ઈઝરાયેલ પર કર્યા આક્રમક મિસાઇલ હુમલા…
ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલર સુધી પહોંચી શકે છે
આ દરમિયાન શિપિંગ વીમા કંપનીઓએ હોર્મુઝ સ્ટ્રેટ જે સૌથી મહત્વપૂર્ણ ક્રૂડ ઓઇલ માર્ગ છે તેને ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર જાહેર કર્યો છે. જેના કારણે ટેન્કરના દર બમણા થઈ ગયા છે અને કેટલાક જહાજોને તેમનો માર્ગ બદલવાની ફરજ પડી છે. નિષ્ણાતોના મતે ક્રૂડ પરનું જોખમ પ્રીમિયમ પાછું આવ્યું છે. જો હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવશે તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલર સુધી પહોંચી શકે છે. જેના લીધે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધી શકે છે.