ઇન્ટરનેશનલ

અમેરિકા પશ્ચિમ એશિયામાં વધારાની એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરશે

અમેરિકાએ પશ્ચિમ એશિયામાં તેની વધારાની એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આ જાણકારી આપી છે. લોયડ ઓસ્ટીને કહ્યું હતું કે ઈરાન સાથે વધતા તણાવને કારણે અમેરિકા પશ્ચિમ એશિયામાં પોતાની તાકાત વધારવા માટે ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) સિસ્ટમ અને પેટ્રિઓટ બટાલિયનને પશ્ચિમ એશિયા મોકલશે.

આ મુદ્દે અમેરિકી રક્ષા પ્રધાન ઓસ્ટીને જણાવ્યું હતું કે આ પગલાથી ઇઝરાયલ ક્ષેત્રમાં વધી રહેલા તણાવ અને હિંસા ઘટાડવામાં મદદ મળશે. આ ક્ષેત્રમાં ઈરાનની વધતી ગતિવિધિઓ અને પ્રોક્સી વોર લડવાના તેના પ્રયાસો અંગે રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વિગતવાર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ આ વિસ્તારમાં અમેરિકાની સેનાની હાજરીને મજબૂત કરવા માટે વધારાના હથિયારો તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઓસ્ટીને જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત સંગઠનો દ્વારા મધ્ય પૂર્વમાં તણાવ વધારવાના પ્રયાસો અંગે અમેરિકા સતર્ક છે. આ પહેલા અમેરિકા ભૂમધ્ય સમુદ્રમાં પોતાના યુદ્ધ જહાજ તૈનાત કરી ચૂક્યું છે. અમેરિકા દ્વારા પશ્ચિમ એશિયામાં તૈનાત કરવામાં આવી રહેલી પેટ્રિયેટ બટાલિયનને તેની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે.


7 ઓક્ટોબરે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે લડાઈ શરૂ થઈ ત્યારથી ઈરાક અને સીરિયામાં તૈનાત અમેરિકી દળો પર ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. અમેરિકા હવે પશ્ચિમ એશિયામાં વધારાની સંખ્યામાં સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલની સરહદમાં ઘૂસીને નિર્દોષ લોકોની હત્યા કરી હતી. હમાસનાઆ નિર્દયી હુમલામાં 1400 નાગરિકોના મોત થયા હતા. જવાબમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર વળતો હુમલો કર્યો હતો જે હજુ પણ ચાલુ છે. ઈઝરાયેલમાં થયેલા હુમલામાં ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 4469 લોકોના મોત થયા છે અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button