‘આપણે સાથે મળીને લડ્યા અને મર્યા’ જસ્ટીન ટ્રુડોનો અમેરિકનોને ઇમોશનલ મેસેજ…
ઓટાવા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ટેરીફ લગાવીને ટ્રેડ વોરની શરૂઆત કરી દીધી છે. કેનેડાના કાર્યકારી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ જાહેરાત કરી છે કે અમેરિકન આયાતો પર 25% ટેરિફ લાદવામાં આવશે. આ સાથે ટ્રુડોએ અમેરિકન નાગરીકોને ઈમોશનલ સંદેશ (Justin Trudeau emotional message to American) પણ પાઠવ્યો છે.
Also read : Washington DC plane crash: પેસેન્જર પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું; 28 મૃતદેહો મળ્યા; ટ્રમ્પના આરોપ
ટ્રમ્પે કેનેડીયન પ્રોડક્ટ્સ પર 25% ટેરીફ લાદવાનો આદેશ આપ્યો હતો, જેની સામે કેનેડાએ કાર્યવાહી કરી છે. કેનેડાના કાર્યકારી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકનોને ભાવનાત્મક સંદેશ આપ્યો. ટ્રુડોએ કહ્યું કે તેમની પાસે વળતો જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ઓટ્ટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં, જસ્ટિન ટ્રુડોએ અમેરિકનોને સીધો સંબોધન આપ્યું હતું. તેમણે બંને પડોશી દેશો વચ્ચેના ભાઈચારાના ઇતિહાસ અને લશ્કરી જોડાણોનો ઉલ્લેખ કર્યો.
‘કેનેડાને દંડ ના આપે’
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, “હા, ભૂતકાળમાં આપણા વચ્ચે મતભેદો રહ્યા છે, પરંતુ આપને હંમેશા મતભેદો ઉકેલવાનો માર્ગ શોધી કાઢ્યો છે. જેમ મેં પહેલા કહ્યું છે, જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સ માટે નવા સ્વર્ણયુગની શરૂઆત કરવા માંગે છે, તો વધુ સારું એ રહેશે કે કેનેડા સાથે ભાગીદારી કરે, કેનેડાને દંડ ના આપે.”
‘આપણે સાથે લડ્યા’
ટ્રુડોએ અમેરિકાનોને સંબોધતા કહ્યું, “અમે નોર્મેન્ડીના દરિયાકિનારાથી માંડીને કોરિયન દ્વીપકલ્પના પર્વતો સુધી, ફ્લેન્ડર્સના ખેતરોથી માંડીને કંદહારની શેરીઓ સુધી, અમે તમારા સૌથી ખરાબ સમયમાં તમારી સાથે રહીને લડ્યા છીએ અને શહીદ થયા છીએ. આપણે દુનિયામાં અત્યાર સુધીની સૌથી સફળ આર્થિક, લશ્કરી અને સુરક્ષા ભાગીદારી સ્થાપિત કરી… અમે હંમેશા તમારી સાથે છીએ.”
અમેરિકનો ફળ ભોગવશે:
ટ્રુડોએ કહ્યું કે આગામી અઠવાડિયા ફક્ત કેનેડિયનો માટે જ નહીં પરંતુ અમેરિકનો માટે પણ મુશ્કેલ રહેશે, ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોના પરિણામો લોકોને ભોગવવા પડશે.
ટ્રુડોએ અમેરિકન નાગરિકોને કહ્યું, “કેનેડા સામેના ટેરિફ તમારી નોકરીઓ જોખમમાં મૂકશે, જેનાથી અમેરિકન ઓટો એસેમ્બલી પ્લાન્ટ અને અન્ય ઉત્પાદન સુવિધાઓ બંધ થઈ જશે. તે તમારા માટે ખર્ચમાં વધારો કરશે.”
Also read : …તો અમેરિકા ભારત સહીત BRICS દેશો પર 100% ટેરિફ લગાવશે! ટ્રમ્પે કેમ આપી આવી ધમકી
ટ્રુડોએ કહ્યું કે તેમની સરકાર પરિસ્થિતિને વધુ ખરાબ કરવા માંગતી નથી, પરંતુ તેઓ કેનેડિયનો અને તેમની નોકરીઓનો બચાવ કરશે. ટ્રુડોએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી નવા નેતાની પસંદગી કરે પછી તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.