અમેરિકાએ બિટકોઇનના ETFને આપી મંજૂરી, ભારત ક્યારે? RBI ગવર્નરે આપ્યો જવાબ
નવી દિલ્હી: ‘Cryptocurrencyને લગતા પ્રતિબંધોમાં ઢીલાશ આપવાનો કોઇ ઇરાદો નથી’ તેમ કહેતા RBI ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં અન્ય બજારોનું અનુકરણ કરવાની જરૂર નથી. એવું જરૂરી નથી કે જે બાબતો અન્ય બજારો માટે સારી સાબિત થાય એઅહીંના બજારો માટે પણ યોગ્ય હોય.
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં ઘણું રિસ્ક છે. આ મામલે મારું વ્યક્તિગત મંતવ્ય અને RBIનું મંતવ્ય બંને એકસમાન જ છે. Cryptocurrencyના નિયમો અંગે આ નિવેદન એટલા માટે આવ્યું છે, કેમકે હાલમાં જ જાહેરાત થઇ છે કે અમેરિકામાં બિટકોઇન એક્સચેન્જ ટ્રેડને મંજૂરી આપવામાં આવી છે.
બિટકોઇનમાં સીધું રોકાણ કરવા માટે યુએસ રેગ્યુલેટરે વિનિમય ટ્રેડેડ ફંડ્સને મંજૂરી આપી છે. જે અમેરિકન ફાઇનાન્શિયલ માર્કેટ માટે એક મોટા માઇલસ્ટોન જેવું સાબિત થશે. આ નિર્ણય ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે એક મોટું ગેમ ચેન્જર સમાન સાબિત થશે.
અમેરિકાના આ નિર્ણયને પગલે બિટકોઈનની કિંમતમાં એક દિવસમાં 1.77 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં બિટકોઈન દીઠ $46,615.31નો રેટ જોવા મળી રહ્યો છે. માર્ચ 2022 પછી આ અઠવાડિયે બિટકોઈનના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
હવે સંસ્થાકીય તેમજ નાના રોકાણકારોને વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સીમાં એક્સપોઝર મળશે. સીધી ખરીદી કર્યા વિના સામાન્ય રોકાણકારો પણ આ તકનો લાભ લઇ શકશે. વર્ષ 2024ની જ વાત કરીએ તો ETFમાં રોકાણ 50 બિલિયન ડોલરથી 100 બિલિયન ડોલરની રેન્જમાં થઇ શકે છે.