UN Women & UNODC Report on Women's Deaths
ઇન્ટરનેશનલ

‘દરરોજ 140 મહિલાઓની તેમના ઘરમાં જ હત્યા થાય છે’, UNના રીપોર્ટમાં ચોંકાવનારા તારણો

નવી દિલ્હી: જાહેર સ્થળો અને વર્ક પ્લેસ પર મહિલાઓની સુરક્ષા અંગે સતત સવાલ ઉઠતા રહે છે, પરંતુ મહિલાઓ પોતાના ઘરમાં જ અસુરક્ષિત છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ની બે એજન્સીઓએ સોમવારે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ અહેવાલો સૂચવે છે કે મહિલાઓ માટે સૌથી અરુરક્ષિત સ્થળ તેમનું પોતાનું ઘર જ છે. અહેવાલ મુજબ 2023 માં દરરોજ સરેરાશ 140 મહિલાઓ અને છોકરીઓની તેમના જીવનસાથી અથવા પરિવારના સભ્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી.

UN એજન્સીઓનો રીપોર્ટ:
યુએન વુમન અને યુનાઈટેડ નેશન્સ ઑફિસ ઓન ક્રાઈમ એન્ડ ડ્રગ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આ અહેવાલ મુજબ, વર્ષ 2023 માં લગભગ 51,100 મહિલાઓ અને છોકરીઓની તેમના પતિ કે પરિવારજનો દ્વારા હત્યા કરવમાં આવી હતી, વર્ષ 2022માં આ આંકડો 48,800 હતો.


Also read: સિપ્લાએ જેનેરિક દવાના ૧૮૦૦ બોક્સ અમેરિકાથી પાછા મગાવ્યા


અહેવાલમાં જણાવાયું છે કે આવા મૃત્યુની સંખ્યામાં વધારો મુખ્યત્વે કેટલાક દેશોમાંથી વધુ ડેટા ઉપલબ્ધ થવાને કારણે નોંધાયો છે અને હત્યામાં વધારાને કારણે નહીં. છતાં આ અહેવાલો સ્પષ્ટ કરે છે કે દરેક જગ્યાએ મહિલાઓ અને છોકરીઓ સામે જાતીય હિંસા થઇ રહી છે અને કોઈ પ્રદેશ તેનાથી મુક્ત નથી.

યુએન વુમનના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ન્યાર્દઝાઈ ગુમ્બોંજવાંડાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી મહિલાઓ અને છોકરીઓની તેમના જ પરિવાર અથવા ભાગીદારો દ્વારા હત્યા કરવામાં આવી રહી છે અને આ બાબત પર અપૂરતા ધ્યાનના અભાવને કારણે, આ ટ્રેન્ડ સતત સાચી રહ્યો છે. તેમણે કહ્યું કે જાતીય ભેદભાવ અને સામાજિક માન્યતાઓ ખાસ કરીને હિંસાને પ્રોત્સાહન આપે છે.

ચોંકાવનારી વાત એ છે કે 2023માં જે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી, તેમાંથી 60 ટકા મહિલાઓની હત્યા તેમના સાથીદારો અથવા સંબંધીઓ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સરકારો દ્વારા મહિલાઓ અને છોકરીઓની હત્યા રોકવાના તમામ પ્રયાસો છતાં પણ આવી ઘટનાઓ સતત બની રહી છે.

આ પ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા:
યુએન વુમેને સરકારો અને નેતાઓને અપીલ કરી છે કે તેઓ તેમની સત્તાનો ઉપયોગ મહિલાઓ સામે હિંસા રોકવાના પગલાંને પ્રોત્સાહન આપવા માટે કરે, તેનો દુરુપયોગ ન કરે. માહિતી અનુસાર, 2023 માં સૌથી વધુ હત્યાઓ આફ્રિકામાં થઈ હતી, જ્યાં અંદાજે 21,700 મહિલાઓ અને છોકરીઓની તેમના પરિવાર અથવા સાથીદારો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આફ્રિકામાં પ્રતિ 1,00,000 વસ્તીએ 2.9 આવી હત્યાઓ થઈ હતી, આ પ્રમાણ અન્ય પ્રદેશો કરતા વધારે છે. આ પછી અમેરિકા અને ઓશેનિયા આવે છે, જ્યાં 1,00,000 મહિલાઓએ અનુક્રમે 1.6 અને 1.5 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ આંકડો એશિયામાં 0.8 અને યુરોપમાં 0.6 હતો.

રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ‘મહિલાઓ અને છોકરીઓ ખાનગી જગ્યાઓમાં હિંસાનો વધુ ભોગ બને છે’, જ્યારે પુરુષો મોટાભાગે ઘરની બહાર હત્યાના બનાવોમાં ભોગ બને છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2023માં વિશ્વમાં હત્યાની ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોમાં 80 ટકા પુરુષો હતા જ્યારે 20 ટકા મહિલાઓ હતી.

Back to top button