ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

રશિયા પર ‘પર્લ હાર્બર’ જેવો હુમલો! યુક્રેનના ડ્રોને બદલી યુદ્ધની દિશા, વિશ્વ પરમાણુ યુદ્ધના આરે?

મોસ્કો/કિવ:યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપવાના અમેરિકાના તમામ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. એવામાં આ યુદ્ધમાં એક મોટો વણાંક આવ્યો છે. રવિવારના રોજ યુક્રેને ડ્રોન્સ વડે રશિયાના એર બેઝ પર હુમલો કરીને 41 રશિયન બોમ્બર પ્લેન તોડી પાડ્યા હતાં. અંદાજ મુજબ રશિયાના 30 ટકાથી વધુ Tu-95, Tu-22s અને A-50 એરબોર્ન રડાર નાશ પામ્યા છે. યુદ્ધ ચાલુ થયું ત્યારથી રશિયા પર થયેલો સૌથી મોટો હુમલો છે. યુક્રેને રશિયા પર કરેલા આ હુમલાને વર્ષ 1941માં જાપાને યુએસએના પર્લ હાર્બર પર કરેલા હવાઈ હુમલા સાથે સરખાવવમાં આવી રહ્યો છે. હવે રશિયા યુક્રેન પર મોટી કાર્યવાહી કરે એવી શક્યતા છે.

bne IntelliNews

યુક્રેને મોડિફાઇડ શિપિંગ કન્ટેનરમાંથી 100 થી વધુ ડ્રોન છોડ્યા હતાં અને રશિયનના એરબેઝ પર હુમલો કર્યો હતો. આ હમલામાં નાશ પામેલા બોમ્બર વિમાનોનો ઉપયોગ ક્રુઝ મિસાઇલ અને બોમ્બથી યુક્રેનિયન સ્થાનો પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. રશિયન મીડિયા આ હુમલાને ‘પર્લ હાર્બર’ તરીકે વર્ણવી રહ્યા છે.

pearl harbor incident

7 ડિસેમ્બર 1941ના દિવસે યુએસ નેવલ બેઝ પર જાપાની નેવીએ અચાનક હુમલો કર્યો હતો, ત્યાર બાદ યુએસએ બીજા વિશ્વયુદ્ધમાં જંપલાવ્યું હતું, આ વિશ્વયુદ્ધના અંતે યુએસએ જાપાનને બે શહેરો પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતાં, જેમાં લાખો લોકોના મોત થયા હતાં.

યુક્રેને રશિયાને દગો આપ્યો?
2 જૂને ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્ડ પહેલા આ હુમલો કરવામાં આવ્યો છે. 6 મેના રોજ થયેલા પ્રથમ પ્રથમ રાઉન્ડમાં બંને પક્ષો વચ્ચે કેદીઓની અદલાબદલીના કરાર થયા હતાં. હવે, જ્યારે બીજા રાઉન્ડની વાટાઘાટો થઇ રહી હતી, એ દરમિયાન આ હુમલો થતાં રશિયન સરકાર રોષે ભરાઈ છે.

જાણકારોના જણાવ્યા મુજબ યુક્રેનનો આ હુમલો આધુનિક ઇતિહાસમાં વિશ્વના સૌથી મોટા સ્પેશિયલ ફોર્સ સ્ટ્રાઈકમાંનો એક છે, જેમાં 6000 કિમીથી વધુ અંતરે આવેલા ઓલેન્યા (મુર્મન્સ્ક) અને ઇર્કુત્સ્ક (સાઇબિરીયા) એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઓપરેશન સિવિલ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણપણે ચોકસાઈ સાથે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં યુક્રેનને કોઈ નુકશાન થયું નથી.

NATO

યુક્રેનને નાટો સાથ?
રશિયા-યુક્રેન યુદ્ધને મોસ્કો અને નાટો વચ્ચેનું પ્રોક્સી યુદ્ધ પણ ગણવામાં આવે છે. યુક્રેનિયન ફોર્સીઝ પશ્ચિમી દેશો દ્વારા પૂરા પાડવામાં આવેલા શસ્ત્રો અને કમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરીને લડી રહી છે. જેની સામે લાંબા સમયથી રશિયા વિરોધ નોંધાવી રહ્યું છે, રશિયાએ સમગ્ર યુરોપમાં નાટો બેઝ અને હથીયારોના ડેપો પર હુમલો કરવાની ધમકીઓ આપી છે.

આ હુમલા અંગે યુક્રેને ભારપૂર્વક જણાવ્યું છે કે હુમલા નાટો કે પશ્ચિમી દેશોની મદદ વિના પોતાના દમ પર કરવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ વાતની પુષ્ટિ કરી હતી.

પરમાણુ યુદ્ધ થશે?
ચાર વર્ષના યુદ્ધ દરમિયાન રશિયા ઘણી વખત પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી ચુક્યું છે. યુક્રેનના તાજેતરના હુમલા બાદ રશિયન અધિકારીઓએ બદલો લેવાની ધમકી આપી છે. એવામાં પરમાણુ યુદ્ધ શરુ થાય એવી શક્યતા છે. જો કે યુક્રેનના હુમલા બાદ રશિયાના બોમ્બર ફ્લિટમાં પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવા માટે ઓછા વિમાનો બચ્યા છે.

Defence Update

ડ્રોન વોરનો અધ્યાય:
યુક્રેનિયન હુમલા પછી તરત જ, 1 જૂનના રોજ રશિયાએ યુક્રેન પર 400 થી વધુ ડ્રોનનો છોડ્યા હતાં. રશિયા-યુક્રેન યુદ્ધે ડ્રોન વોરનો અધ્યાય શરુ કર્યો છે. ડ્રોન્સ ધીમે ધીમે પાઈલોટ સાથેના ફાઇટર એરક્રાફ્ટનું સ્થાન લઈ રહ્યા છે. યુદ્ધ દરમિયાન રશિયા અને યુક્રેન બંને હજારો ફર્સ્ટ પર્સન વ્યૂ (FPV) ડ્રોન અને વાયર-ગાઇડેડ FPV ડ્રોનનો ઉપયોગ કરી ચુક્યા છે.

પાકિસ્તાન પણ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે:
તાજેતરમાં ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારત પર મોટી સંખ્યામાં ડ્રોન્સ છોડ્યા હતાં, જો કે ભારતીય સેનાએ મોટા ભાગના ડ્રોન તોડી પાડ્યા હતાં, પણ આ હુમલા એ સૂચવે છે કે પાકિસ્તાન ભારત પર ડ્રોન વડે હુમલાનું વ્યૂહરચના બનાવી રહ્યું છે.

વર્ષ 2021 માં જમ્મુમાં ભારતના એર બેઝ પર ડ્રોન હુમલાનો પ્રયાસ થયો હતો. બે ક્વાડકોપ્ટર ડ્રોન દ્વારા બે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્ષ્પ્લોઝીવ ડિવાઈસીસ ફેંકવામાં આવ્યા હતા, જો કે તેમાં જાનમાલનું નુકશાન થયું ન હતું. ખુલ્લામાં પાર્ક કરેલા ઘણા હેલિકોપ્ટર બચી ગયા હતાં. ભવિષ્યમાં પાકિસ્તાન ભારતીય એરબેઝ અને અન્ય સ્થળોએ એકસાથે મોટા પાયે હુમલા કરવા માટે સમાન યુક્તિઓનો ઉપયોગ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button