જાપાનમાં Shanshan વાવાઝોડાનો કહેર યથાવત, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 6 લોકોના મોત
Tokyo: જાપાનમાં અનેક દિવસોથી તબાહી મચાવી રહેલું શાનશાન(Typhoon Shanshan )વાવાઝોડું હજુ પણ યથાવત છે. જાપાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વણસી ગઈ છે. જેમાં અનેક સ્થળોએ પાણી ભરાતા લોકો માટે રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેમજ અનેક મકાનો અને સંસ્થાઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. રાજધાની ટોક્યોથી 180 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત શિઝુઓકામાં ટાયફૂન શાનશાન કારણે રવિવારે મુશળધાર વરસાદ થયો હતો. જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. આ વર્ષનું સૌથી શકિતશાળી વાવાઝોડું શાનશાન જાપાનમાં ત્રાટકયું છે.
આ વાવાઝોડું ઘણા દિવસો સુધી ચાલુ રહેશે
જ્યારે હવામાન અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડું ઘણા દિવસો સુધી ચાલુ રહેશે. શાનશાન તોફાન 65 કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનોને કારણે ભૂસ્ખલન અને નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. તેમજ અનેક સ્થળોએ કાટમાળ પણ પડ્યો છે. આ વાવાઝોડાના લીધે અત્યાર સુધીમાં છ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં ત્રણ લોકોના મૃત્યુ ભૂસ્ખલનમાં દટાયા હોવાથી થયા હતા.
અત્યાર સુધીમાં 6ના મોત
જાપાની એજન્સીઓ અનુસાર, શાનશાનને કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત ઉપરાંત 127 લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિ લાપતા છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે શિજુઓકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.
શિજુઓકા પ્રીફેક્ચરમાં હમામાત્સુ અને ઇઝુ શહેરોના ભાગો અને ટોક્યોમાં યોકોહામા અન્ય વિસ્તારો સહિત ભૂસ્ખલનની ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. ટોક્યોમાં તાજેતરના દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે.