ઇન્ટરનેશનલ

ભયાનક ચક્રવાત તાઇવાન સાથે ટકરાયુંઃ 200 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન

કાઉશુંગ (તાઇવાન): તોફાન ક્રૈથૉન આજે તાઇવાનના મુખ્ય બંદર શહેર કાઉશુંગ સાથે ટકરાયું હતું. જેનાથી ટાપુના દક્ષિણ ભાગમાં પૂરઝડપે પવનની સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે વૃક્ષો ઉખડી ગયા હતા અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તોફાનને પગલે સ્કૂલ-કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવી હતી. સેન્ટ્રલ મેટ્રોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ક્રૈથૉન બપોરે લગભગ 12:40 વાગ્યે કાઉશુંગના ઔધોગિક જિલ્લો સિયાઓગાંગ સાથે ટકરાયું હતુ. વાવાઝોડાના પગલે 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો, જ્યારે અમુક પ્રાંતમાં કલાકના 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

રાજધાની તાઈપેઈ સુધી પહોંચતા પહેલા વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધવાની આગાહી કરવામાં આવી હતી, શુક્રવાર સુધીમાં ઉષ્ણકટિબંધીય ડિપ્રેશનમાં નબળું પડી જશે અને પછી તાઈવાન થઈને ચીનના દરિયાકાંઠે આગળ વધશે. આજે તાઈપેઈમાં જોરદાર પવન ફૂંકાયો હતો પરંતુ ત્યાં બહુ ઓછો વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો જમીનમાં દટાયેલો બોમ્બ ફૂટ્યો: 80 ફ્લાઇટ્સ કરવી પડી રદ્દ…

કાઉશુંગમાં સત્તાવાળાઓએ તેના રહેવાસીઓને સંભવિત નુકસાનકારક પવન અને વરસાદથી બચવા માટે સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આગ્રહ કર્યો હતો. ઝડપી પવનના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને ઘણી દુકાનો અને મકાનો ધરાશાયી થયા હતા. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.

ટાયફૂન ક્રૈથોન પ્રતિ કલાક લગભગ 4 કિમીની ઝડપે તાઇવાન પાસે પહોંચ્યું હતું. વાવાઝોડાને કારણે વરસેલા વરસાદથી છેલ્લા પાંચ દિવસમાં ટાપુના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં પૂર આવ્યું હતું, જેના કારણે હજારો લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. વ્યવસાયિક પ્રવૃત્તિઓ બે દિવસ બંધ રાખવાની ફરજ પડી હતી.

હવામાન વહીવટીતંત્રે એક ફેસબુક સંદેશ પોસ્ટ કરી હતી જેમાં કાઉશુંગ અને પિંગતુંગ કાઉન્ટીઓના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી હતી કે ટાયફૂન તેમના વિસ્તારમાંથી પસાર થાય ત્યારે ઘરની બહાર નીકળે નહી.

આ પણ વાંચો: અમેરિકામાં હડતાળને કારણે પાકિસ્તાન, ચીનની ઊંઘ હરામ, જાણો શું છે મામલો?

તાઈવાનના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ક્રૈથોનના કારણે ટાપુની આસપાસ ઓછામાં ઓછા 123 લોકો ઘાયલ થયા હતા અને બેના મોત થયા હતા. તેમાંથી એક દક્ષિણ-પૂર્વીય તાઈતુંગ કાઉન્ટીમાં રસ્તા પર પડેલા પત્થરોથી અથડાઈને મૃત્યુ પામ્યો હતો જ્યારે બીજો વ્યક્તિ હુઆલીન શહેરમાં ઝાડની ડાળીઓ કાપતી વખતે મોતને ભેટ્યો હતો.

ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. લગભગ 40,000 સૈનિકોને બચાવ કાર્યમાં મદદ કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં ટાપુની દક્ષિણમાં પર્વતીય વિસ્તારોમાં 169 સેન્ટિમીટર (5.5 ફૂટ) સુધીનો વરસાદ પડ્યો છે.

ચીનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં તાઈવાનના કેટલાક પૂર્વી અને દક્ષિણ ભાગોમાં 40 સેન્ટિમીટર (1.3 ફૂટ) સુધીનો અતિ ભારે વરસાદની અપેક્ષા છે. અઠવાડિયાની શરૂઆતમાં ટાયફૂન ક્રૈથોને ઉત્તરીય ફિલિપાઈન ટાપુઓ પર વિનાશ વેર્યો હતો, જેમાં ચારના મોત થયા હતા અને ઓછામાં ઓછા 5,000 લોકો વિસ્થાપિત થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button