અમેરિકાના ડેટ્રોઇટમાં પાર્ટી વખતે ફાયરિંગમાં બેનાં મોતઃ ૧૯ ઘાયલ
ડેટ્રોઇટઃ અમેરિકાના ડેટ્રોઇટમાં રવિવારે વહેલી સવારે એક પાર્ટીમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે ૧૯ લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં મિશિગન પોલીસે કહ્યું કે કોઇની અટકાયત કરવામાં આવી નથી અને તેઓ તપાસમાં ડેટ્રોઇટ પોલીસને મદદ કરી રહ્યા છે. એજન્સીએ કહ્યું કે તેની પ્રાથમિક માહિતી સૂચવે છે કે બે લોકોના મોત થયા છે અને અન્ય ૧૯ ઘાયલ થયા છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સમયે તપાસકર્તાઓ અને ફોરેન્સિક કર્મચારીઓ તમામ ઉપલબ્ધ પુરાવાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે અને સપ્તાહના અંત સુધી તેમનું કાર્ય ચાલુ રાખશે.
પોલીસે જણાવ્યું હતું કે સોમવારે પોલીસ વડા જેમ્સ વ્હાઇટ અને મેયર માઇક ડુગ્ગન સાથે યોજાનાર ન્યૂઝ કોન્ફરન્સમાં બ્લોક પાર્ટીઓને લગતી એક વ્યાપક નવી વ્યૂહરચના વિશે વિગતવાર જણાવવામાં આવશે. ડુગ્ગનના પ્રવક્તા જ્હોન રોચે જણાવ્યું હતું કે મેયર સોમવારે બ્લોક ક્લબ પાર્ટી સુરક્ષા વ્યૂહરચના વિશે થનાર ન્યૂઝ કોન્ફરન્સમાં હાજર રહેશે, પરંતુ તેમણે ગોળીબાર અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે આ ગોળીબાર એવા સમયે થયો છે જ્યારે દેશભરમાં વેકેશન ચાલી રહ્યું છે. ઉનાળાના મહિનાઓમાં ખાસ કરીને ચોથી જુલાઇની આસપાસ હિંસા અને સામૂહિક ગોળીબારની ઘટનાઓ વધે છે. સંશોધકો કહે છે કે આનું કારણ ઘણા પરિબળો છે, જેમાં વધુ સામાજિક કાર્યક્રમો અને વધુ દારૂનું સેવન સામેલ છે.