Turkey Fire : સ્કી રિસોર્ટ હોટલમાં ભયંકર આગ લાગી, 66 લોકો માર્યા ગયા અનેક ઘાયલ

બોલુ પ્રાંત : યુરોપના દેશ તુર્કીમાં સોમવારે એક સ્કી રિસોર્ટ હોટલમાં ભયંકર આગ(Turkey Fire)લાગી હતી. આ આગમાં 66 લોકો માર્યા ગયાના અહેવાલ છે તેમજ અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ અંગે તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે બોલુ પ્રાંતના કાર્તાલકાયા રિસોર્ટમાં એક સ્કી હોટલની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
આ પણ વાંચો: Los Angeles Wildfires: અમેરિકા પણ વિકરાળ આગ પર કાબુ કેમ ના મેળવી શક્યું? આ કારણો રહ્યા જ
આ સ્કી હોટલમાં 234 લોકો રોકાયેલા હતા
જોકે, આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ સહિત અન્ય એજન્સીઓ રાહત- બચાવ કામગીરિ માટે કામે લાગી હતી. જોકે,આ આગ એટલી ભયાનક હતી કે કેટલાક લોકો જીવ બચાવવા માટે હોટલના ઉપરના માળેથી કૂદી ગયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે. આ સ્કી હોટલમાં 234 લોકો રોકાયેલા હતા. આ લોકોએ ચાદરની મદદથી આગથી બચીને નીચે આવવાનો પ્રયાસ કર્યો હતો.
હોટલ ધુમાડાથી ભરેલી હતી
આ આગ અંગે હોટેલના સ્કી પ્રશિક્ષકે જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે તેઓ સૂતા હતા. આ ઘટના બાદ તે બિલ્ડિંગની બહાર દોડી ગયો. તેમણે હોટલમાંથી લગભગ 20 લોકોને બહાર કાઢવામાં મદદ કરી. તેમણે કહ્યું કે હોટલ ધુમાડાથી ભરેલી હતી. જેના કારણે લોકોને આગમાંથી બચવાનો રસ્તો શોધવો મુશ્કેલ બન્યો હતો
રિસોર્ટની અન્ય હોટલોને ખાલી કરાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે, કાર્તલકાયા એ ઇસ્તંબુલથી લગભગ 300 કિલોમીટર પૂર્વમાં કોરોગ્લુ પર્વતમાળામાં સ્થિત એક લોકપ્રિય સ્કી રિસોર્ટ છે. તુર્કીમાં શાળાઓમાં રજાઓ ચાલી રહી છે. આ સમય દરમિયાન આ વિસ્તારની હોટલો સામાન્ય રીતે ભરેલી હોય છે. આયદિનના કાર્યાલયે જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે રિસોર્ટની અન્ય હોટલોને ખાલી કરાવવામાં આવી છે.