ટ્રમ્પની ચીન પર ઊંચા ટેરિફ લાદવાની ધમકી: અમેરિકા ખાતે નિકાસ વધારવા ફિઓનો વ્યૂહ
નવી દિલ્હી: તાજેતરમાં અમેરિકાના ભાવી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે કેનેડા, મેક્સિકો અને ચીની ઉત્પાદનો પર ઊંચા ટેરિફ દર લાદવાની ધમકી આપી છે ત્યારે ભારત માટે અમેરિકા ખાતે નિકાસને વેગ આપવા માટે તક સર્જાવાની શક્યતાને ધ્યાનમાં લેતા દેશનાં નિકાસકારોના અગ્રણી સંગઠન ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)એ વ્યૂહ ઘડી કાઢ્યો છે.
આ યોજનાના ભાગ રૂપે ફિઓએ સરકારને અનુરોધ કર્યો છે કે ભારતીય નિકાસકારોને અમેરિકાભરમાં યોજાતા એક્ઝિબિશનોમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય આપે, એમ ફિઓના ઉપપ્રમુખ ઈસરાર અહમદે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું. અમે પાંચ મુખ્ય ક્ષેત્રો ઓળખી કાઢ્યાં છે,
જે અમેરિકી બજારમાં નિકાસ વૃદ્ધિ માટે ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આ ક્ષેત્રમાં એપરલ, ઈલેક્ટ્રોનિક્સ, રમકડાં, ફૂટવેર અને ઓર્ગેનિક કેમિકલ્સનો સમાવેશ થાય છે.
અમેરિકી બજારમાં આક્રમક માર્કેટિંગ (પ્રમોશન) અને વિઝિબિલિટી પર ભાર મૂકતા અહમદે ઉમેર્યું હતું કે જો નાણાકીય સહાય વધારવામાં આવે તો નિકાસકારો વધુ અસરકારકતાથી ઉત્પાદનો પ્રદર્શિત કરી શકે અને ઊભરતી તકો અંકે કરી શકે.
દેશમાં મોટી ફેક્ટરીઓ આવી રહી છે અને ઉત્પાદન ક્ષમતાઓ પણ વધશે આથી આપણે અમેરિકી બજારમાં હાજરી પણ વધારવી પડશે.
આથી અમે તકો ઝડપવા માટે માર્કેટ એક્સેસ ઈનિશિયએટીવ (એમએઆઈ) સ્કીમ હેઠળ વધુ ફંડની માગણી કરી છે.
આ સ્કીમ હેઠળ અમેરિકી બજારમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ફિઓ આ ક્ષેત્રના અમેરિકી સંગઠનો સાથે હાથ મિલાવવાની પણ વિચારણા કરી રહ્યું છે.
નોંધનીય બાબત એ છે કે રાજકીય અનિશ્ચિતતાને કારણે બાંગ્લાદેશનાં ઘણાં એપરલના એકમોના બેઝ ભારતમાં સ્થળાંતરિત કરી રહ્યા છે.
જોકે ભારતીય નિકાસકારોના મુખ્ય પડકારોમાં પ્રવાહિતા છે કેમ કે નિકાસ ફાઈનાન્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સિવાય ફિઓએ સરકારને એમએસએમઈને ગૂડ્સ ઍન્ડ સર્વિસીસની ખરીદી પેટેની ચુકવણી કરવાની 45 દિવસની મર્યાદામાં રાહત આપવાની સાથે ઈન્ટરેસ્ટ ઈક્વિલાઈઝેશન સ્કીમને વધુ પાંચ વર્ષ સુધી વિસ્તારવાનો અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો…જાપાન એરલાઈન્સ પર સાયબર હુમલો, મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ થઈ પ્રભાવિત…
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ફિઓ વાણિજ્ય મંત્રાલય સાથે આરઓડીટીઈપી સ્કીમ પર સ્થાનિક ઉત્પાદનો પરના કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટીનાં કેસનો સામનો કરવા માટે દસ્તાવેજીકરણના મુદ્દા (નિકાસકારોના લાભ જો રૂ. એક કરોડથી વધે તો) અંગે ચર્ચા કરી રહ્યું છે. આ મુદ્દો પણ મહત્ત્વનો છે કેમ કે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ચોક્કસ સ્થાનિક એકમો પર કાઉન્ટરવેઈલિંગ અથવા તો એન્ટિ સબસિડી ડ્યૂટી લાદવામાં આવેલી હતી.