ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુક્રેન-રશિયાનું યુદ્ધ પૂરું કરવાની ચર્ચા ચાલતી હતી અને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી પોતે જ બાખડી પડ્યા

વૉશિગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા સંભાળ્યા બાદ વ્હાઈટ હાઉસથી લગભગ રોજ નવા નવા સમાચારો અને ઘટનાઓ વિશ્વને જાણવા મળી રહી છે. અમેરિકા મહાસત્તા હોવાથી તેમના દરેક ડગલા પર દુનિયાભરની નજર મંડાયેલી હોય છે. આ બધા વચ્ચે એક ખૂબ જ ધ્યાન દોરનારી ઘટના ઘટી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું, પરંતુ એક વાતમાં બન્નેને વાંધો પડ્યો અને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં જ બન્ને વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ. ટ્રમ્પ માટે મુખ્ય મુદ્દો ખનિજ સોદો હતો, જ્યારે ઝેલેન્સકીએ સુરક્ષા ગેરંટી પર ભાર મૂક્યો હતો. ઝેલેન્સ્કીએ ટ્રમ્પની કોશિશો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નિયંત્રણ લાવી નહીં શકે તેમ પણ કહ્યું હતું અને બન્ને વચ્ચે જ બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.

મીડિયા સાથેના સંવાદ બાદ ટ્રમ્પ મિનરલ ડીલના એમઓયુ પર કોઈ મોટી જાહેરાત કરે તેવી પૂરી સંભાવના હતી, ઝેલેન્સકીએ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને તેમ કહ્યું કે ટ્રમ્પે સારી શરૂઆત કરી છે,. પરંતુ યુદ્ધ રોકવા માટે આ પૂરતી નથી, બસ પછી ટ્રમ્પ અને તેમના વચ્ચે વાતચીતને બદલે દલીલબાજી શરૂ થઈ. પરંતુ બન્ને વચ્ચેના વિખવાદ બાદ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીત જ બંધ કરી દીધી. મળતી માહિતી અનુસાર ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું કહેવામાં આવ્યું ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી.

ટ્રમ્પ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યકાળ દ્વારા યુક્રેનને આપવામાં આવેલી આર્થિક અને સૈન્ય માટે વળતરની માંગ કરી રહ્યા છે. આ વાત તેમણે તેમના જાહેર નિવેદનોમાં પણ કહી છે. તેમણે અગાઉ પણ કહ્યું છે કે અમેરિકા આપેલા સમર્થનના બદલામાં 500 બિલિયન ડૉલર ઇચ્છે છે, પરંતુ 350 બિલિયન ડૉલરના વળતરને પણ તેઓ ફાઈનલ કરવા તૈયાર છે.
શું બન્યું વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે પહેલા તો ઝેલેન્સ્કીનું સ્વાગત કર્યું અને બન્નેએ સારી તસવીરો પણ ખેંચાવી, ત્યારબાદ તેઓ જ્યારે કેબિનેટ બેઠકમાં ભાગ લઈ પ્રેસ કોન્ફરન્સ કરવા બેઠા ત્યારે એક પત્રકારે યુક્રેનની સુરક્ષાની વાત છેડી. ટ્રમ્પે પહેલા તો કહ્યું કે સુરક્ષા કંઈ મોટો મામલો નથી. માત્ર આ ડીલ થઈ જાય તે જરૂરી છે. હાલમાં મારું ધ્યાન ડીલ પર છે.

Also read: અમેરિકામાં ટ્રમ્પની જીત પર ઝેલેન્સ્કીએ અભિનંદન પાઠવી શું કહ્યું? જાણો

દરમિયાન રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધને રોકવાના કરારને લઈને ચાલી રહેલી વાતચીતના સવાલ પર ઝેલેન્સકીએ કહ્યું કે આ યુદ્ધ રશિયા અને અમેરિકા વચ્ચે નથી, પરંતુ રશિયાનું યુદ્ધ યુક્રેન એટલે કે અમારી સાથે છે. અમારા સિવાય આ યુદ્ધને કોઈ રોકી શકશે નહીં. જો ભવિષ્યમાં આવી કોઈ વાટાઘાટો થાય તો જરૂરી છે કે બંને રશિયા અને યુક્રેન પણ વાટાઘાટોમાં સામેલ હોવા જોઈએ. ઝેલેન્સકીએ એમ પણ કહ્યું કે જો પુતિનને રોકવામાં નહીં આવે તો તે અન્ય કોઈ દેશ પર હુમલો કરશે, કદાચ પોલેન્ડ પણ જાય. પોલેન્ડ નાટોનું સભ્ય હોવાથી, જો આવી સ્થિતિ ઊભી થશે તો અમેરિકી સેનાએ પણ લડવું પડશે. બસ ઝેલેન્સકીએ કહ્યું અને ટ્રમ્પને આ વાતનું ખરાબ લાગ્યું. તેમણે ઝેલેન્સ્કીને બધાની સામે જ ઝાટકી નાખ્યા. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ યુદ્ધ ખતમ કરવા માગતા નથી. લોકોના જીવન સાથે ખેલ ખેલી રહ્યા છે. તમે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યા છો. આ બન્નેની દલીલ ઊગ્ર બની અને ડીલની જાહેરાત કે બીજું કંઈ ન થયું. યુદ્ધ રોકવાને બદલે હાલમાં બન્ને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થછેડાઈ ગયું છે, હવે આગળ શું થશે તે તો સમય જ કહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button