ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીત, નિક્કી હેલીને તેના ગૃહ રાજ્યમાં હરાવ્યા
કોલંબીયા: અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ પદના દાવેદારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે. દરમિયાન સાઉથ કેરોલિનામાં યોજાયેલી રિપબ્લિકન પ્રાઈમરી ઈલેક્શનમાં ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને હરાવ્યા છે.
આ જીતનું માર્જિન કેટલું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. પણ મહત્વની બાબત એ છે કે સાઉથ કેરોલિના નિક્કી હેલીનું ગૃહ રાજ્ય છે. આ શાનદાર જીત બાદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ટ્રમ્પનો દાવો મજબુત થયો છે.
લોકોએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જોરદાર સમર્થન આપ્યું હતું. ઘણા સર્વેમાં તેમની જીત નિશ્ચિત હોવાનું કહેવાય છે. તેમના પર ઘણા ગુનાહિત આરોપો હોવા છતાં, ટ્રમ્પે મોટી લીડ મેળવી છે. બે વખત ગવર્નરની ચૂંટણી જીતનાર દક્ષિણ કેરોલિનાની વતની હેલી ટ્રમ્પને ના હરાવી શક્યા. આ હાર બાદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસમાંથી તેઓ બહાર થઇ જાય એવી શક્યતા છે.
અત્યાર સુધીમાં થયેલી પાંચેય ચૂંટણીઓમાં ટ્રમ્પે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આયોવા, ન્યુ હેમ્પશાયર, નેવાડા, યુએસ વર્જિન આઇલેન્ડ બાદ હવે સાઉથ કેરોલિનામાં પણ ટ્રમ્પની જીત થઇ છે.
હેલીએ આ અઠવાડિયે જણાવ્યું હતું કે તેઓ તેમનું અભિયાન ચાલુ રાખશે. તેમણે કહ્યું કે હવે 5 માર્ચે રિપબ્લિકન 15 રાજ્યોમાં મતદાન કરશે. હેલીએ તાજેતરના દિવસોમાં ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની માનસિક સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે મતદારોને ચેતવણી આપી હતી કે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડી શકે છે. પરંતુ રિપબ્લિકન મતદારો ટ્રમ્પ સિવાય અન્ય કોઈ ઉમેદવાર પર વિશ્વાસ કરે તેવી શક્યતા બહુ ઓછી છે.