‘…તો ઈરાન પર બોમ્બમારો કરીશું’ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આવી ધમકી…

વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સ હાલ મધ્યપૂર્વના યમન પર એર સ્ટ્રાઈક કરી રહી છે. એવામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પણ ચીમકી (Donald Trump threat to Iran) ઉચ્ચારી છે. રવિવારે એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે જો તેહરાન ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે યુએસ સાથે કરાર નહીં કરે તો ઈરાન પર બોમ્બમારો કરવામાં આવશે. વધુમાં તેમણે ઈરાન પર સેકન્ડરી ટેરિફ લગાવવાની પણ ચીમકી ઉચ્ચારી.
એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “જો તેઓ કરાર નહીં કરે, તો બોમ્બમારો કરવામાં આવશે. જો કે તેઓ કરાર ન કરે, તેવી શક્યતા ઓછી છે. હું તેમના પર ચાર વર્ષ પહેલાની જેમ સેકન્ડરી ટેરિફ લગાવીશ.”
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના તેમના પહેલા કાર્યકાળમાં ઈરાન સાથેનો પરમાણુ કરાર રદ કર્યો હતો. આ કરારમાં ઈરાનની વિવાદિત પરમાણુ પ્રોગ્રામ પર કડક મર્યાદા મૂકવામાં આવી હતી, જેના બદલામાં ઈરાન પર લગાવવામાં આવેલા વેપાર પ્રતિબંધો રાહત આપવામાં આવી હતી. આ કરાર સમાપ્ત થયા પછી, ઈરાને તેના યુરેનિયમ એનરીચમેન્ટ પ્રોગ્રામમાં વધરો કર્યો હતો.
ઈરાને પ્રત્યક્ષ વાટાઘાટોનો ઇનકાર કર્યો:

નોંધનીય વાત એ છે કે આજે જ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું, “ઈરાન તેના ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સીધી વાટાઘાટો નહીં કરે. પરંતુ અપ્રત્યક્ષ વાટાઘાટોનો રસ્તો ખુલાસો છે.”
પેઝેશ્કિઆને કેબિનેટ બેઠક દરમિયાન કહ્યું, “અમે વવાટાઘાટો ટાળતા નથી ઈચ્છતા; યુએસ દ્વારા વચનોનો ભંગ થવાને કારણે સમસ્યાઓ ઉભી થઇ છે. યુએસએ સાબિત કરવું પડશે કે તેમના પર વિશ્વાસ કરી શકાય.”
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ તાજેતરમાં કહ્યું હતું કે તેહરાને ઓમાન દ્વારા મોકલવામાં આવેલા ટ્રમ્પના સંદેશનો જવાબ આપ્યો છે, જેમાં ઈરાનને નવા પરમાણુ કરાર માટે સંમત થવા આગ્રહ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો : “ભારતમાં છે લઘુમતીઓથી નફરત” એસ. જયશંકરની ફટકાથી ફફડયું પાકિસ્તાન- કર્યા પાયાવિહોણા આરોપ
ઈરાન પર આરોપ:
ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ ઘણા વર્ષોથી વિવાદમાં રહ્યો છે. પશ્ચિમી દેશોનો દાવો છે કે ઈરાન ગુપ્ત રીતે જરૂરી સ્તર કરતાં વધુ યુરેનિયમ એનરીચ કરીને પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે. જો કે ઈરાને આવા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ઈરાનનો દાવો છે કે તેનો ન્યુક્લીયર પ્રોગ્રામ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે.