‘નિર્ણય ચીને લેવાનો છે’ ટેરીફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, ટ્રેડવોર વધુ તીવ્ર બનશે?

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ નવી ટેરીફ પોલીસી હાલ પુરતી (US tariff policy) મુલતવી રાખી છે, પરંતુ ચીનને કોઈ રાહત આપી નથી. ટ્રમ્પ વહીવટીતંત્રએ ચીન પર 145 ટકા ટેરિફ લાદ્યો છે, જેની સામે ચીને પણ શિંગડાં ભરાવ્યા છે. ચીને પણ અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદ્યો છે. બંને દેશોમાંથી એક પણ ઝૂકવા માટે તૈયાર નથી. એવામાં વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કરી દીધું છે કે ચીનને અમેરિકા સાથે ડીલ કરવી જ પડશે. યુએસ ટેરિફના મુદ્દા પર પાછળ નહીં હટે, નિર્ણય ચીને લેવાનો છે.

ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે નિર્ણય ચીને લેવાનો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું, “રાષ્ટ્રપતિએ ચીન પરના ટેરીફ અંગે વિચારો સ્પષ્ટ કર્યા છે. મારી પાસે તેમનું એક નિવેદન છે, તેમણે મને કહ્યું કે ચીને નિર્ણય લેવો પડશે. ચીનને આપણી સાથે ડીલ કરવી પડશે. આપણે તેમની સાથે ડીલ કરવાની જરૂર નથી. “
કેરોલિન લેવિટે કહ્યું કે ચીન અને અન્ય દેશો એ જ જોઈએ છે જે અમેરિકા પાસે છે – અમેરિકન ગ્રાહકો. સરળ શબ્દોમાં કહીએ તો, તેમને આપણા પૈસાની જરૂર છે.
ચીનનો અમેરિકાને જવાબ:

નોંધનીય છે કે ચીન પણ યુએસ સામે વળતી કાર્યવાહી કરી રહ્યું છે. તાજેતરમાં જ ચીને બોઇંગ એરક્રાફ્ટ ડીલ રદ કરી હતી. જેના કારણે બંને દેશો વચ્ચે ટ્રેડ વોર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોર પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પહેલી વાર પ્રતિક્રિયા આપી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ચીન ઝૂકવાનું નથી. બેઇજિંગમાં સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ સાથેની મુલાકાત બાદ જિનપિંગે કહ્યું, “આ ટ્રેડ વોર કોઈ જીતી શકશે નહીં. જો તમે દુનિયાની વિરુદ્ધ જશો, તો તમે અલગ થઇ જશો.”
તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 70 વર્ષોમાં ચીને પોતાની મહેનતથી વિકાસ કર્યો અને તે કોઈના દબાણ સામે ઝૂકશે નહીં. જિનપિંગે યુરોપિયન યુનિયન (EU) ને અમેરિકાની આ એકપક્ષીય દબાણ સામે એક સાથે આવવા અપીલ કરી.