ઇન્ટરનેશનલ

ટ્રમ્પનું વધુ એક ચોંકાવનારું પગલું; આ કારણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધો લગાવ્યા

વોશિંગ્ટન: ગત 20જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે, જેને કારણે તેઓ લગભગ દરરોજ હેડલાઈનમાં રહે છે. તાજેતરના એક આદેશમાં ટ્રમ્પે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) સામે પ્રતિબંધો લગાવવાની જાહેરાત (Donald Trump imposed sanctions on the International Criminal Court) કરી છે.

એક કાર્યકારી આદેશમાં ટ્રમ્પે ICC ને ‘પાયાવિહોણું’ ગણાવ્યું છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ICC હંમેશા અમેરિકા અને તેના સાથી ઇઝરાયલ સામે અન્યાયી અને પાયાવિહોણા પગલાં ભરે છે. ટ્રમ્પે ICC અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો તેમજ કોર્ટની તપાસમાં મદદ કરનારા કોઈપણ વ્યક્તિની સંપત્તિ જપ્ત કરવા અને મુસાફરી પ્રતિબંધ લાગવવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે અમેરિકા કે ઇઝરાયલ આ કોર્ટના સભ્ય નથી. પ્રતિબંધો અંગે ICC તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

નેતન્યાહૂ સામે ICCની કાર્યવાહી:
ગત 21 નવેમ્બરના રોજ, ICC એ ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ, તેમના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ અને હમાસના લશ્કરી વડા મોહમ્મદ દેઈફ સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. જેના કારણે ઇઝરાયલ નારાજ છે. તાજેતરમાં નેતન્યાહૂ અમેરિકાની મુલાકતે હતાં અને ટ્રમ્પ સાથે બેઠક પણ કરી હતી, ત્યાર બાદ ટ્રમ્પે આ આ જાહેરાત કરી છે.

Also read: ટ્રમ્પનો ખુંખાર ચહેરોઃ ઈરાનને આપી ખુલ્લી ધમકી, ગાઝા પટ્ટી માટે કહી મોટી વાત…

USAના આરોપો:
ICC અફઘાનિસ્તાનમાં યુએસ સૈનિકો દ્વારા અને ગાઝામાં ઇઝરાયલી સૈનિકો દ્વારા કથિત વોર ક્રાઈમની તપાસ કરી રહ્યું છે, જેના વિષે ટ્રમ્પના આદેશમાં કહેવામાં આવ્યું છે, “ટ્રિબ્યુનલ યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા નજીકના સાથી ઇઝરાયલને નિશાન બનાવીને ગેરકાયદેસર અને પાયાવિહોણા કાર્યોમાં લાગેલું રહે છે.”

ટ્રમ્પે અગાઉ પણ પ્રતિબંધો લગાવ્યા હતા:
જ્યારે ટ્રમ્પ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પણ તેમણે ICC પર પ્રતિબંધો લગાવ્યા હતા. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન વર્ષ 2020 માં તેમણે તત્કાલીન ICC પ્રોસિક્યુટર ફાટૌ બેન્સૌડા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફ પર નાણાકીય અને વિઝા પ્રતિબંધો લાદ્યા હતા. અફઘાનિસ્તાનમાં યુએસ સૈનિકો સામે વોર ક્રાઈમના આરોપોની તપાસ શરૂ કર્યા બાદ ટ્રમ્પે ICC ને “કાંગારુ કોર્ટ” ગણાવ્ય હતું અને આ પગલું ભર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button