Operation Sindoor: ભારતના હુમલા પછી પાકિસ્તાન એલર્ટ, અમેરિકાએ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી છે. પંદર દિવસ પછી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાને સીમા પર એલર્ટ જારી કર્યું છે, જ્યારે ઈમર્જન્સીના સંજોગોને પહોંચી વળવા માટે સંરક્ષણ એકમોને એક્ટિવ કર્યા છે. પાકિસ્તાને અમુક જગ્યાએ એલઓસી પર ફાયરિંગ કર્યું હતું, પરંતુ ભારતના પ્રહારને લઈ પાકિસ્તાન એલર્ટ થઈ ગયું છે.
ભારતે ક્યાં અને કેટલા વાગ્યે કર્યો હુમલો?
ભારતે પાકિસ્તાન પર રાતના 1.10 વાગ્યાથી 1.20 વાગ્યાની વચ્ચે હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ભવાલપુરમાં જૈશ-એ મોહમ્મદના કાર્યાલય, મુઝફ્ફરાબાદ સેન્ટ્રલ ગ્રિડ સિસ્ટમ અને મરીદકેમાં હાફિઝ સઈદના કાર્યાલય સહિત નવ જગ્યાએ હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર અન્વયે આતંકવાદીઓના અડ્ડાઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ શરમજનક બાબત છે. હમણા ઓવલ ઓફિસમાં આવતી વખતે મને જાણ થઈ છે. મને લાગે છે કે ભૂતકાળના અંદાજ પરથી હતું કે કોઈ કાર્યવાહી થશે. તેઓ ઘણા સમયથી લડી રહ્યા છે. હું આશા રાખું છું કે આ મામો બહુ જલદી પૂરો થાય. આ હુમલા પછી ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત દોવાલે અમેરિકન વિદેશ પ્રધાન માર્કો રુબિયો સાથે પણ વાતચીત કરીને હુમલાની માહિતી આપી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ભારતીય સશસ્ત્ર દળોએ શરુ કરેલા ઓપરેશન સિંદૂર શરુ કરવામાં આવ્યા પછી પાકિસ્તાને પૂંચ-રાજૌરી સેક્ટરમાં ભીમબેર ખાતે બોમ્બમારો કર્યો હતો, જ્યારે તેની સામે ભારતીય સેનાએ પણ વળતો પ્રહાર કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સંરક્ષણ અધિકારીએ કહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની સીમા પર તમામ એક યુનિટ્સને સક્રિય કરી દેવામાં આવ્યા છે.
ભારતના હુમલા અંગે મગરના આંસુ રડવાનું ચાલુ
બીજી બાજુ પાકિસ્તાનની ઈન્ટર સર્વિસસ પબ્લિક રિલેશન (આઈએસપીઆર)ના ડીજી લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે બંને દેશની વચ્ચે તીવ્ર તણાવની વચ્ચે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઈલથી હુમલો કર્યો છે અને આ કાયરતાપૂર્ણ હુમલો છે.