આ પેન્સિલવેનિયામાં જ Donald Trumpએ ગન કલ્ચર વિશે કહ્યું હતું કે…
અમદાવાદઃ અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ગયા શનિવારે પેન્સિલવેનિયામાં ગોળીબાર થયો હતો. જેમાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ગોળી તેમના કાનને વિંધીને જતી રહી હતી. જોકે, આ ઘટનાએ ફરીથી અમેરિકામાં ગન વાયોલન્સ અને શસ્ત્રો રાખવા અંગેની ચર્ચા જગાવી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં નાગરિકોની સંખ્યા કરતાં તો બંદૂકોની સંખ્યા વધારે છે. અમેરિકાની આ ઘટનાએ ઘણો ખળભળાટ મચાવ્યો છે તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પએ ગન કલ્ચર વિશે થોડા દિવસ પહેલા જ કહેલી એક વાત ફરી ચમકી છે.
ટ્રમ્પ પર તે જ પેન્સિલવેનિયા રાજ્યમાં હુમલો થયો જ્યાં તેમણે આ વર્ષની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, તેઓ અમેરિકન પ્રમુખ બનશે ત્યારે પદ સંભાળ્યાના પ્રથમ દિવસે જ બંદૂકના અધિકારો પર બાયડન વહિવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો પાછા ખેંચી લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, બાઈડને ગન ધરાવતા અને ગન ઉત્પાદન કરતાં લોકો પર જે પણ પ્રતિબંધો લગાવ્યા છે તેને હું પ્રમુખ પદ સંભાળ્યાના પ્રથમ સપ્તાહમાં જ હટાવી લઈશ, કદાચ પ્રથમ દિવસે જ હટાવી લઈશ. તેમણે આ વાત નેશનલ રાઈફલ એસોસિયેશન (NRA) દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કરી હતી. નેશનલ રાઈફલ એસોસિયેશન વ્યક્તિના હથિયાર રાખવાના અધિકારનું સમર્થક છે. પોતાના પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પે આ અધિકારને મજબૂત કરવા માટે NRAના આદેશ પર સુપ્રીમ કોર્ટમાં કન્ઝર્વેટિવ જજીસની નિમણૂંક કરી હતી. અમેરિકામાં હવે વારંવાર માસ શૂટિંગની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનાઓની તપાસ કરવાની જરૂરિયાતને સ્વીકારી હોવા છતાં અમેરિકા એસોલ્ટ વેપન્સ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો પસાર કરવા માટે ગંભીરતાથી વિચારી શક્યું નથી, તેવી ચર્ચાઓ અમેરિકામાં થતી રહે છે. 2023માં અમેરિકામાં માસ શૂટિંગની 600થી વધુ ઘટનાઓ નોંધાઈ હતી, તેમ એક અહેવાલ જણાવે છે. આ મુદ્દા પર રાજકીય ધ્રુવીકરણ થયા કરે છે. જેથી અમેરિકા માટે નેશનલ ગન પોલિસી બનાવવી અઘરી બની ગઈ છે. આ પોલિસી હથિયારોના દુરૂપયોગ પર પ્રતિબંધ મૂકે છે.
આ પણ વાંચો : હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર જાહેરમાં દેખાયા, સમર્થકોએ હીરોની જેમ સ્વાગત કર્યું
ગયા વર્ષે પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ પ્રમાણે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ જાહેર સલામતી માટે ગન ઓનરશિપની અસર અંગે તદ્દન વિરોધી મત ધરાવે છે. બંને પક્ષો આ અંગે વિભાજીત રહ્યા છે. જ્યારે 79 ટકા રિપબ્લિકન તરફ ઝુકાવ ધરાવતા સ્વતંત્ર લોકોએ જણાવ્યું હતું કે, ગન ઓનરશિપ સલામતીમાં વધારો કરે છે. જ્યારે આ અંગે 78 ટકા ડેમોક્રેટ્સનું કહેવું છે કે તેનાથી સલામતી ઘટી રહી છે.