Donald Trump એ ટિકટોકને આપી 75 દિવસની રાહત પણ શરતોને આધીન….
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે ચીનની માલિકીના ટૂંકા વીડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTok પરનો પ્રતિબંધ થોડા સમય માટે હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે તેમના અધિકારીઓને TikTok ને 75 દિવસનો સમય આપવાનો આદેશ આપ્યો હતો. આ અંગે તેમણે એક કાર્યકારી આદેશ આપ્યો હતો અને એટર્ની જનરલને આ સમયગાળા દરમિયાન કાયદાને લાગુ કરવા માટે કોઇ પગલાં ના લેવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પના આ પગલાને કારણે TikTokને યુએસ પ્રતિબંધમાંથી થોડો સમય માટે રાહત મળી છે. ByteDanceની માલિકીની TikTokનું કહેવું છે કે તેઓ ટ્રમ્પ સાથે મળીને કામ કરશે.
અમેરિકામાં શનિવારે TikTok બંધ થઇ ગયું હતુંઃ-
શુક્રવારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે પણ TikTok પરના પ્રતિબંધને યથાવત રાખતા TikTok બંધ થઇ ગયું હતું . રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. TikTokની પેરેન્ટ કંપની ByteDance છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે TikTokની પેરેન્ટ કંપની ByteDanceની આ એપ અમેરિકનોના ડાટાનો દુરૂપયોગ કરી શકે છે.
નોંધનીય છે કે TikTok પર પ્રતિબંધ જો બાઇડેન સરકારે મૂક્યો હતો. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જો બાઇડેને TikTok પર પ્રતિબંધ મૂકવાના બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ બિલને સેનેટ અને ગૃહમાં વિશાળ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ અંતર્ગત TikTokની પેરેન્ટ કંપની ByteDanceને અમેરિકામાંથી તેની લીલા સંકેલવા 270 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી હતી.
Also read: રાષ્ટ્રપતિની શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કરી ચોંકાવનારી જાહેરાતો
જોકે, ટ્રમ્પ પણ પાકા બિઝનેસમેન છે. TikTok પરનો પ્રતિબંધ 75 દિવસ માટે હટાવવામાં પણ તેઓએ બિઝનેસ જોયો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે TikTok અમેરિકામાં રહી શકે છે, પણ તે માટે તેમની મહત્વની શરત છે. ટ્રમ્પ TikTokમાં હિસ્સેદારી ઇચ્છે છે. તેઓ ઇચ્છે છે કે આ લોકપ્રિય સોશિયલ મીડિયા એપનો ઓછામાં ઓછો અડધો હિસ્સો અમેરિકન રોકાણકાર પાસે રહે. હાલમાં તો TikTok પર પ્રતિબંધ ઉઠી ગયો છે, પણ તેની પેરેન્ટ કંપનીએ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાનો છે કે તેઓ અમેરિકન રોકાણકારને તેમનો અડધો હિસ્સો વેચવા તૈયાર છે કે નહીં.