ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ વધાર્યો…

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર વચ્ચે હવે બીજો મોટો નિર્ણય લીધો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિદેશથી આવતા સ્ટીલ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે પેન્સિલવેનિયા સ્ટીલવર્કર્સને જણાવ્યું હતું કે તેઓ તેમના ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે સ્ટીલ આયાત પર ટેરિફ બમણું કરવા જઈ રહ્યા છે. હવે વિદેશી સ્ટીલ આયાત પર ટેરિફ 50 ટકા સુધી વધારવામાં આવશે. આ ટેરિફ પહેલા 25 ટકા હતો જે હવે 50 ટકા સુધી વધારવામાં આવશે.
એલ્યુમિનિયમ ટેરિફ પણ બમણો કરીને 50 ટકા કરવામાં આવશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સ્ટીલ સાથે એલ્યુમિનિયમ ટેરિફ પણ બમણો કરીને 50 ટકા કરવામાં આવશે અને બંને ટેરિફ વધારો બુધવારથી અમલમાં આવશે.

નિપ્પોન દ્વારા આંશિક માલિકી માટે કરારની જાહેરાત
આ ઉપરાંત, ટ્રમ્પે જાપાન સાથે પણ એક મોટો સોદો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જાપાનની નિપ્પોન સ્ટીલ પ્રતિષ્ઠિત અમેરિકન સ્ટીલ ઉત્પાદન કંપનીમાં રોકાણ કરશે. જોકે ટ્રમ્પે શરૂઆતમાં પિટ્સબર્ગ સ્થિત યુએસ સ્ટીલ ખરીદવા માટે જાપાની સ્ટીલ ઉત્પાદકની બિડને રોકવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમણે પોતાનું વલણ બદલ્યું અને ગયા અઠવાડિયે નિપ્પોન દ્વારા આંશિક માલિકી માટે કરારની જાહેરાત કરી. ટ્રમ્પે યુએસ સ્ટીલ વેરહાઉસમાં એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વખતે કહ્યું કે, આજે અમે અહીં એક બ્લોકબસ્ટર કરારની ઉજવણી કરવા એકત્ર થયા છીએ જે ખાતરી કરશે કે આ પ્રખ્યાત અમેરિકન કંપની એક અમેરિકન કંપની જ રહેશે.
સ્ટીલના ભાવમાં 16 ટકાનો વધારો થયો
આ ઉપરાંત, ટ્રમ્પે ટેરિફ વિશે કહ્યું હતું કે આયાતી સ્ટીલ પર ટેરિફ બમણા કરવાથી અમેરિકામાં સ્ટીલ ઉદ્યોગ વધુ સુરક્ષિત બનશે. જો કે, આ રીતે ટેરિફ લાદવાથી સ્ટીલના ભાવમાં પણ વધારો થશે. સરકારના ઉત્પાદક ભાવ સૂચકાંક અનુસાર, જાન્યુઆરીના મધ્યમાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી સ્ટીલના ભાવમાં 16 ટકાનો વધારો થયો છે. યુએસ વાણિજ્ય વિભાગ અનુસાર, માર્ચ 2025 સુધીમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટીલનો ભાવ પ્રતિ મેટ્રિક ટન 984 યુએસ ડોલર છે. જે યુરોપમાં 690 યુએસ ડોલર અને ચીનમાં 392 યુએસ ડોલરના ભાવ કરતા ઘણો વધારે છે.
આપણ વાંચો : ઈલોન મસ્કે ટ્રમ્પ સરકારને કહ્યું બાય બાયઃ અચાનક કેમ લીધો આવો નિર્ણય ?