આકરા ટેરિફનો પડ્યો અમેરિકાને જ માર: આટલી વસ્તુઓ પર ટ્રમ્પે લીધો ટેરિફ હટાવવાનો નિર્ણય

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક દેશો પર લાદવામાં આવેલા આકરા ટેરિફનો ભોગ હવે અમેરિકાની જનતા બની રહી છે, અને અમેરિકામાં જ મોંઘવારીમાં ખુબ વધી છે. આ મોંઘવારીનો સામનો કરવા માટે અંતે ટ્રમ્પ પ્રશાસને કોફી, બીફ અને ફળો સહિતની અનેક વસ્તુઓ પરના ટેરિફ હટાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રમ્પે અત્યાર સુધી ટેરિફને ઘરેલું ઉત્પાદન વધારવા અને અમેરિકી અર્થતંત્રને ગતિ આપવા માટે જરૂરી ગણાવ્યા હતા, પરંતુ હવે આ નીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વર્જિનિયા, ન્યુ જર્સી અને અન્ય સ્થળોએ યોજાયેલી ઑફ-યર ચૂંટણીઓમાં ડેમોક્રેટ્સની મોટી જીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે પ્રશાસન પર મોંઘવારીના મુદ્દે પગલાં લેવા માટે દબાણ વધાર્યું હતું.
ટેરિફ હટાવવાની જાહેરાત કરતાં ટ્રમ્પે કહ્યું, “અમે કોફી જેવી કેટલીક વસ્તુઓ પર ટેરિફ પાછા ખેંચી રહ્યા છીએ.” મોંઘવારી અંગે તેમણે સ્વીકાર્યું કે કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મોટા પાયે આ પગલું દેશના હિતમાં છે. આ નિર્ણય બ્રાઝિલ જેવા દેશોના નિકાસકારો માટે રાહતરૂપ છે, જે અમેરિકાને સૌથી વધુ બીફની નિકાસ કરતા હતા, પરંતુ ભારે ટેરિફને કારણે તેની કિંમતો વધી ગઈ હતી.
ટ્રમ્પે ચા, ફળોના રસ, કોકોઆ, મસાલા, કેળા, સંતરા, ટામેટાં અને કેટલાક ખાતરો પરથી પણ ટેરિફ હટાવવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પ પ્રશાસન દાવો કરી રહ્યું છે કે રોજિંદી વસ્તુઓના ભાવ વધારા માટે ટેરિફ જવાબદાર નથી, જ્યારે ડેમોક્રેટ્સનું કહેવું છે કે ટ્રમ્પની નીતિઓ અમેરિકી જનતાને નુકસાન પહોંચાડી રહી છે.
આ ટેરિફ રોલબેક એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા વિવિધ દેશો સાથે વ્યાપાર વાટાઘાટો પણ કરી રહ્યું છે. અમેરિકાએ ઇક્વાડોર, અલ સાલ્વાડોર અને આર્જેન્ટિના સાથે કૃષિ ઉત્પાદનોને લઈને સમજૂતી કરીને ટેરિફમાં રાહત આપી છે. દરમિયાન, ભારતના સંદર્ભમાં પણ સકારાત્મક સમાચાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ભારત સાથે ન્યાયસંગત વેપાર સમજૂતી કરવાના ખૂબ નજીક છે અને તેમણે વચન આપ્યું કે ભારત પર લાગુ કરાયેલા ટેરિફને એક સમયે ઘટાડવામાં આવશે. છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પે ભારત સાથે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર સમજૂતી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી છે.
ટ્રમ્પના આ નિર્ણયને ડેમોક્રેટ્સ તેમની નીતિની નિષ્ફળતા તરીકે દર્શાવી રહ્યા છે, જે દર્શાવે છે કે આર્થિક મુદ્દાઓ અમેરિકાના રાજકારણનું કેન્દ્રબિંદુ બની રહ્યા છે. જોકે, કોફી અને ફળો જેવી રોજિંદી વપરાશની વસ્તુઓ પર ટેરિફ હટાવવાથી અમેરિકી ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે.
આ પણ વાંચો…યુએસના ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત! હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ફંડિંગ બિલ પસાર કર્યું



