ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે આપ્યો મોટો ઝટકો, રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર

કોલોરાડો: અમેરિકામાં વર્ષ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે યુએસ કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે રિપબ્લિકન પાર્ટીના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટેના રાજ્યના પ્રાથમિક મતદાનમાંથી દૂર કર્યા છે.

અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે બંધારણના 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવ્યો છે. કોલોરાડો હાઈકોર્ટે તેના 4-3 બહુમતી નિર્ણયમાં કહ્યું કે, કોર્ટ માને છે કે ટ્રમ્પ 14મા સુધારાની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપનાર કોર્ટના તમામ જજોની નિમણૂક ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરો દ્વારા કરવામાં આવી હતી.


કોલોરાડો સ્ટેટની હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજના નિર્ણયને પલટીને આ આદેશ આપ્યો હતો. નીચલી અદાલતે કહ્યું હતું કે ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ (યુએસ સંસદ) પર હુમલા માટે ટોળાને હિંસા માટે ઉશ્કેર્યા હતા. પરંતુ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં કારણ કે તે સ્પષ્ટ નથી કે બંધારણની આ કલમ રાષ્ટ્રપતિ પદને આવરી લે છે કે નહીં.
હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો ઉલટાવતા 4 જાન્યુઆરી સુધી અથવા યુએસ સુપ્રીમ કોર્ટ આ મામલે નિર્ણય ન કરે ત્યાં સુધી તેના નિર્ણય પર રોક લગાવી દીધી છે. હાઈ કોર્ટના નિર્ણય સાથે, હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટ માટે આ કેસ અંગે નિર્ણય લેવો પડકારરૂપ બનશે.


શું છે કેપિટોલ હિંસા કેસ:
વર્ષ 2021માં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પરિણામો પછી, ટ્રમ્પના સમર્થકોએ 6 જાન્યુઆરી, 2021 ના રોજ યુએસ કેપિટોલ (યુએસ સંસદ) પર હુમલો કર્યો. મોટી સંખ્યામાં ટ્રમ્પ સમર્થકો સંસદભવનમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન ટ્રમ્પના સમર્થકોએ હિંસા અને તોડફોડ કરી હતી, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. બાદમાં ટ્રમ્પ પર તેમના સમર્થકોને હિંસા તરફ દોરી જવા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button