નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના વૈજ્ઞાનિકની ટ્રમ્પે કરી નિમણૂક
વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે, જે અમેરિકાની ટોચની આરોગ્ય સંશોધન અને ભંડોળ સંસ્થા છે. આ સાથે ભટ્ટાચાર્ય ટોચના વહીવટી પદ માટે ટ્રમ્પ દ્વારા નામાંકિત થનાર પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે.
આ પહેલા ટ્રમ્પે ટેસ્લાના માલિક એલોન મસ્ક સાથે નવનિર્મિત સરકારી કાર્યક્ષમતા વિભાગનું નેતૃત્વ કરવા માટે ભારતીય-અમેરિકન વિવેક રામાસ્વામીને પસંદ કર્યા હતા. જોકે, આ એક સ્વૈચ્છિક પદ છે અને તેના માટે અમેરિકન સેનેટની પુષ્ટિની જરૂર રહેતી નથી.
આ પણ વાંચો: ‘પાકિસ્તાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરે ટ્રમ્પ’, જાણો કોણે કહ્યું આવું
ટ્રમ્પે જાહેરાત કરતાં કહ્યું કે હું જય ભટ્ટાચાર્ય, એમડી, પીએચડીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરતાં રોમાંચિત અનુભવું છું. ડો. ભટ્ટાચાર્ય દેશના તબીબી સંશોધનને નિર્દેશિત કરવા અને મહત્વપૂર્ણ શોધ કરવા માટે રોબર્ટ એફ. કેનેડી જુનિયર સાથે મળીને કામ કરશે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ભટ્ટાચાર્ય સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આરોગ્ય નીતિના પ્રોફેસર છે.
નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચમાં સંશોધન સહયોગી છે અને સ્ટેનફોર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક પોલિસી રિસર્ચ, સ્ટેનફોર્ડ ફ્રીમેન સ્પોગલી ઇન્સ્ટિટ્યૂટ અને હૂવર ઇન્સ્ટિટ્યૂશનમાં અનધિકૃત સિનિયર ફેલો છે. તેઓ સ્ટેનફોર્ડના સેન્ટર ફોર ડેમોગ્રાફી એન્ડ ઇકોનોમિક્સ ઓફ હેલ્થ એન્ડ એજીંગનું નિર્દેશન કરે છે.
આ પણ વાંચો: ટ્રમ્પની તેજીને પરિણામે કૅનેડા, ઈટાલીની જીડીપી કરતાં ક્રિપ્ટોની માર્કેટ કેપ ઊંચી સપાટીએ
તેમનું સંશોધન સંવેદનશીલ વસ્તીના આરોગ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં સરકારી કાર્યક્રમો, બાયોમેડિકલ ઇનોવેશન અને અર્થશાસ્ત્રીની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે.
તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમડી અને પીએચડીની ડિગ્રી મેળવી હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રમ્પે રોબર્ટ એફ. કેનેડી જુનિયર સાથે કામ કરવા માટે આરોગ્ય અને માનવ સેવાના નાયબ સચિવ તરીકે જીમ ઓનીલને પણ નિયુક્ત કર્યા છે.