1 ઓગસ્ટથી યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર લાગશે 30 ટકા ટેરિફ, ટ્રમ્પે કરી જાહેરાત

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર 30 ટકા ટેરિફ લગાવવાની જાહેરા કરી હતી. આ ટેરિફ 1 ઓગસ્ટ 2025થી લાગુ પડશે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાના વ્યાપારિક સંબંધો પર મોટી અસર પડી શકે છે. ઈયુ અને મેક્સિકો અમેરિકાના બે સૌથી મોટા વ્યાપારિક ભાગીદારો માનવામાં આવે છે. ટ્રમ્પે આ જાહેરાત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે અલગ-અલગ પત્રો દ્વારા કરી હતી. એક પત્ર મેક્સિકન રાષ્ટ્રપતિને અને બીજો પત્ર યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનને લખ્યો હતો.
ટ્રમ્પે સ્વીકાર્યું કે મેક્સિકોએ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓ અને ફેન્ટાનિલ જેવા નશીલા પદાર્થોની તસ્કરીને રોકવામાં અમુક હદ સુધી મદદ કરી છે. પરંતુ ટ્રમ્પે કહ્યું કે મેક્સિકો ઉત્તર અમેરિકાને ‘નાર્કો-ટ્રાફિકિંગનું પ્લેગ્રાઉન્ડ’ બનતા રોકવામાં નિષ્ફળ રહ્યું છે. તેથી હવે 30 ટકા ટેરિફ લગાવવું જરૂરી બની ગયું છે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે ટ્રમ્પે આપ્યા સંકેત, જાણો કેટલો ટેરિફ લગાવી શકે છે?
તેમણે યુરોપિયન યુનિયન પર આરોપ લગાવ્યો કે અમેરિકા સાથે તેમનું વ્યાપાર સંતુલન સંપૂર્ણપણે એકતરફી છે અને અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું, અમારી પાસે વર્ષોથી વાતચીતનો સમય હતો, પરંતુ યુરોપિયન યુનિયનની ટેરિફ અને નોન-ટેરિફ નીતિઓએ વ્યાપારમાં અસમાનતા વધારી છે. અમેરિકા આ નીતિઓમાંથી બહાર નીકળે તેવો સમય આવી ગયો છે.