ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર અમેરિકી એરસ્ટ્રાઈકનો પ્લાન તૈયારઃ અહેવાલ

વોશિંગ્ટન: ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને ઈરાની શાસન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસ ઈરાનના અનેક લશ્કરી ઠેકાણાઓ પર મોટા પાયે હવાઈ હુમલા કરવા માટેની પ્રારંભિક યોજનાઓ તૈયાર કરી રહ્યું છે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ એક આકસ્મિક સૈન્ય વ્યૂહરચનાનો ભાગ છે અને હજુ સુધી કોઈ ચોક્કસ હુમલા અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ઈરાની જનતાને સમર્થન આપતા લખ્યું કે, ઈરાન અત્યારે આઝાદી તરફ જોઈ રહ્યું છે, જેવી કદાચ પહેલા ક્યારેય જોઈ નથી. અમેરિકા મદદ માટે તૈયાર છે! ટ્રમ્પે ઈરાની શાસનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓ પર હિંસા કરવામાં આવશે, તો અમેરિકા શાંત બેસશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, “જો તેઓ અગાઉની જેમ નિર્દોષ લોકોને મારવાનું શરૂ કરશે, તો અમે હસ્તક્ષેપ કરીશું અને તેમને આકરી સજા આપીશું.
અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામ અને વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પણ ટ્રમ્પના આ વલણને સમર્થન આપતા ઈરાની નેતૃત્વની ઝાટકણી કાઢી છે. ગ્રેહામે ઈરાની સત્તાધીશોને ધાર્મિક નાઝી ગણાવતા કહ્યું કે આ ઓબામા પ્રશાસન નથી કે જે ઈરાની આયાતુલ્લાહ સામે મૌન રહે, અહીં ક્રૂરતાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ટ્રમ્પે પણ જણાવ્યું છે કે અમેરિકા ઈરાનમાં પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે અને જરૂર પડ્યે સૈન્ય ઉતાર્યા વગર જ ઈરાનને નુકસાન પહોંચાડી શકે તેવી ક્ષમતા ધરાવે છે. જો કે વોશિંગ્ટનમાં હજુ સુધી કોઈ સૈન્ય સાધનો કે જવાનોની ફેરબદલી કરવામાં આવી નથી, પરંતુ જે રીતે ટ્રમ્પ પ્રશાસન તરફથી આક્રમક નિવેદનો આવી રહ્યા છે, તે જોતા મધ્ય-પૂર્વના દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો…ટ્રમ્પનો નોબેલ ‘રાગ’: મેં ભારત-પાક વચ્ચે યુદ્ધ રોકી ૧ કરોડ જીવ બચાવ્યા, હું જ પુરસ્કારનો અસલી હકદાર!



