કેનેડાનો ઘમંડ થયો ચકનાચૂર, નિજ્જરની હત્યાને લઇને ટ્રુડોના સ્વર બદલાયા
ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા ભારતને દમદાટી આપતું હતું અને પોતાનો ઘમંડ બતાવવા માંગતું હતું. તેને ફાઈવ આઇઝ ગ્રુપ પર વિશ્વાસ હતો. જોકે, પાયા વિહોણા દાવા કરવા છતાં પણ કેનેડા નિજ્જરની હત્યા અંગે કોઈ પુરાવા આપી શક્યું નથી. નિજ્જરની હત્યા થયાને નવ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ભારત શરૂઆતથી જ તેના સ્ટેન્ડ પર અડગ છે.
ભારતે દરેક વખતે કહ્યું છે કે, જો કેનેડા જરૂરી પુરાવા આપશે તો ભારત પણ તપાસમાં સહયોગ કરશે, પરંતુ કેનેડા આજ સુધી આ અંગે કોઈ નક્કર પુરાવા આપી શક્યું નથી. હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો ઘમંડ ગાયબ થતો જોવા મળી રહ્યો છે. તેમણે હાલમાં જ કહ્યું છે કે નિજ્જરની હત્યાના તળિયા સુધી પહોંચવા માટે કેનેડા ભારત સાથે રચનાત્મક રીતે કામ કરવા તૈયાર છે.
કેનેડાના આવા વલણથી સ્પષ્ટ જ છે કે જસ્ટિન ટ્રુડોએ તેમના દેશના રાજકારણમાં ફાયદો મેળવવા માટે ભારત સામે પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. ટ્રુડોએ કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓનો હાથ છે. તેમના આ દાવા પછી બંને દેશો વચ્ચેનો તણાવ એટલો બધો વધી ગયો હતો કે એકબીજાના રાજદ્વારીઓ પરત ફર્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાના ભારતીય દુતાવાસ પર હુમલો કર્યો હતો. બંને દેશો વચ્ચેના સંબંધો હજી પણ સામાન્ય થયા નથી.
ગયા વર્ષે જૂન મહિનામાં સુરીના એક ગુરુદ્વારામાં અજાણ્યા હુમલાખોરોએ નિજ્જરની હત્યા કરી હતી. હાલમાં એક કાર્યક્રમમાં મીડિયાના સવાલનો જવાબ આપતા ટ્રુડોએ કહ્યું હતું કે નિજ્જરની હત્યા મામલે કેનેડા યોગ્ય તપાસ ઈચ્છે છે અને કાયદાનું ઉલ્લંઘન થવું ના જોઈએ. આ મામલાની જડ સુધી જવા માટે ભારત સરકાર સાથે મળીને કામ કરવા કેનેડા તૈયાર છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કેનેડાની ધરતી પર ફરી ક્યારેય વિદેશી હસ્તક્ષેપ ના થાય.
જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને ટ્રુડોના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આમાં કંઈ નવું નથી ભારત પહેલેથી જ કહી ચુક્યું છે કે જો નક્કર પુરાવા મળશે તો તપાસમાં સહયોગ આપવામાં આવશે, પરંતુ કેનેડાએ હજી સુધી કોઈ નકાર પુરાવા આપ્યા નથી માત્ર પાયાવિહોણા દાવા જ કર્યા છે.
આ સ્થિતિમાં આપણે સાવચેત રહેવું પડશે, કારણ કે કેનેડામાં કટરવાદીઓને શરણું આપવામાં આવી રહ્યું છે અને રાજકારણ રમાઈ રહ્યું છે. આતંકવાદી નિજ્જરની હત્યાને નવ મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ આ કેસમાં હજી સુધી ખાસ કંઈ પ્રગતિ થઈ નથી. ખાલિસ્તાની આતંકવાદી ગુરવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં અમેરિકાથી મળેલા ઈનપુટ્સના આધારે ભારતે એક ઉચ્ચસ્તરીય ટીમની રચના કરી હતી. ભારત સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પણ એમ જાણવા મળ્યું છે કે ભારત દ્વારા ગુપ્તચર એજન્સીમાંથી એક અધિકારીને હટાવી દેવામાં આવ્યો છે.