Maldives: માલદીવમાં ભારતીય વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી ન મળતા 14 વર્ષના કિશોરનું મોત
માલે: માલદીવના નેતાઓએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો તાણવપૂર્ણ છે. એક અહેવાલ મુજબ માલદીવની ઓથોરીટીએ ભારતીય વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપતા 14 વર્ષના કોશોરનું મોત નીપજ્યું હતું. બાળકને મેડિકલ ઈમરજન્સી માટે ભારતીય ડોર્નિયર એરક્રાફ્ટની જરૂર હતી, જેના માટે માલદીવ સરકારે મંજૂરી આપી ન હતી. સારવારમાં વિલંબના કારણે શનિવારે બાળકે જીવ ગુમાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતે અગાઉ માલદીવને તબીબી સ્થળાંતર અને અન્ય ડિઝાસ્ટર રિકવરી માટે બે નેવલ હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ આપ્યું હતું. જો કે, માલદીવ સરકારના ભારતીય સૈનિકોને પાછા મોકલવાના આગ્રહને કારણે ભારતીય હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનું માલદીવમાં રહેવું અસ્પષ્ટ છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા બોલાવી લેવા કહ્યું છે. જોકે, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આ મુદ્દાનો ઉકેલ શોધવા માટે હજુ પણ વાતચીત ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ આ ઘટના બુધવારે બની હતી. 14 વર્ષીય કિશોરને બ્રેઈન ટ્યુમર હતું અને તેને સ્ટ્રોક આવ્યા પછી તેની સ્થિતિ નાજુક બની ગઈ હતી. ત્યારબાદ તેના પરિવારે એર એમ્બ્યુલન્સને વિનંતી કરી કે તેને ગાફ અલિફ વિલિંગિલીમાં તેના ઘરેથી રાજધાની માલે લઈ જવામાં આવે. પરિવારનો આરોપ છે કે અધિકારીઓ તાત્કાલિક તબીબી સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
માલદીવના વિપક્ષી સાંસદ મિકેલ નસીમે ટ્વિટ કર્યું, ‘ભારત પ્રત્યે રાષ્ટ્રપતિની દુશ્મનાવટને સંતોષવા માટે લોકોના જીવન સાથે ચેડા કરવા જોઈએ નહી.’
એક અહેવાલ અનુસાર, મૃતક છોકરાના પિતાએ કહ્યું, ‘મેં સ્ટ્રોક પછી તરત જ તેને માલે લઈ જવા માટે આઇલેન્ડ એવિએશનને ફોન કર્યો હતો, પરંતુ તેઓએ જવાબ આપ્યો ન હતો. તેણે ગુરુવારે સવારે 8.30 વાગ્યે ફોનનો જવાબ આપ્યો. એર એમ્બ્યુલન્સ એકમાત્ર ઉપાય હતો. ઇમરજન્સી એરલિફ્ટની વિનંતી કર્યાના 16 કલાક પછી બાળકને માલે લાવવામાં આવ્યો, પરંતુ તે ઘણું મોડું થઈ ગયું હતું.’
લોકોએ હોસ્પિટલની બહાર દેખાવો કરીને બાળકના મોતને બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, મેડિકલ ઈવેક્યુએશન માટે જવાબદાર કંપની આસંધ લિમિટેડે એક નિવેદન બહાર પાડીને કર્યું હતું કે માહિતી મળતાની સાથે જ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. જોકે, છેલ્લી ક્ષણે કેટલીક ટેકનિકલ ખામીઓ આવી હતી, જેના કારણે વિલંબ થયો હતો.