Mexico Plane Crashમાં 4 લોકોના દુઃખદ મોત
મેક્સિકોમાં રનવેથી માત્ર 200 મીટરના અંતરે એક નાનું પાઇપર પ્લેન ક્રેશ થતાં પાઇલટ સહિત ચાર લોકોના મૃત્યુ થયા હોવાની ઘટનાના સમાચાર જાણવા મળ્યા છે. અહેવાલો અનુસાર, પ્લેન ક્રેશની આ ઘટના ઉત્તરી મેક્સિકોના કોહુઇલા રાજ્યના શહેર રામોસ એરિઝપેમાં બની હતી. સ્થાનિક નાગરિક ઉડ્ડયન અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે સાલ્ટિલો એરપોર્ટ નજીક એક નાનું વિમાન ક્રેશ થતાં પાઇલટ સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં ઈંધણ ખતમ થઈ ગયું હતું, જે બાદ તે રનવેથી માત્ર 200 મીટર દૂર ક્રેશ થઈ ગયું હતું. જોકે, એમ માનવામાં આવી રહ્યું છે કે વિમાનની દુર્ઘટનામાં બળતણ સિવાય તેજ પવનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હશે.
Piper PA-46 પ્લેનમાં પાયલટ સહિત કુલ ચાર લોકો સવાર હતા, જે અમેરિકામાં બનાવવામાં આવ્યું હતું અને તેણે ઉત્તર મેક્સિકોના તામૌલિપાસના સરહદી શહેર માટામોરોસથી કોહુઈલા માટે ઉડાન ભરી હતી. મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ મહિલાઓ અમેરિકાથી આવી હતી. આ સિંગલ એન્જિન પ્લેને મેટામોરોસમાં રોકાતા પહેલા બ્રાઉન્સવિલે, ટેક્સાસથી ઉડાન ભરી હતી. આ બંને શહેરો યુએસ-મેક્સિકો બોર્ડર પર સ્થિત છે.