અમેરિકા અને કેનેડા વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ, અમેરિકાએ કેનેડાને આપી આ ચેતવણી

વોશિંગ્ટન : અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં નવો વળાંક આવ્યો છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા વધુ એક ચેતવણી આપી છે. ટ્રમ્પે આ વખતે તેના એવિએશન સેક્ટર પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ તાત્કાલિક નહીં બદલાય તો અમેરિકામાં વેચાતા તમામ કેનેડિયન વિમાનો પર 50 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવશે. આ ધમકીથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે.
અમેરિકામાં 150 થી વધુ બોમ્બાર્ડિયર એરક્રાફ્ટ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, અમેરિકા કેનેડાના વિમાનોને અપ્રમાણિત કરશે. આમાં કેનેડાની સૌથી મોટી વિમાન ઉત્પાદક કંપની બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ બિઝનેસ જેટનો પણ સમાવેશ થાય છે. આંકડા મુજબ, હાલમાં અમેરિકામાં 150 થી વધુ બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ એરક્રાફ્ટ નોંધાયેલા છે. જેનો ઉપયોગ 100 થી વધુ ઓપરેટરો દ્વારા કરવામાં આવે છે. જો આ નિર્ણય લાગુ કરવામાં આવે છે, તો તેની સીધી અસર અમેરિકન એવિએશન ઉદ્યોગ અને ખાનગી જેટ ઓપરેટરો પર પડશે.
આ કાર્યવાહી બદલો લેવા માટે કરવામાં આવી રહી છે
ટ્રમ્પનો આરોપ છે કે આ કાર્યવાહી કેનેડા દ્વારા અમેરિકા સ્થિત ગલ્ફસ્ટ્રીમ એરોસ્પેસના જેટને પ્રમાણિત કરવાનો ઇનકાર કરવાના જવાબમાં કરવામાં આવી રહી છે. ગલ્ફસ્ટ્રીમ અને બોમ્બાર્ડિયર લાંબા સમયથી બિઝનેસ જેટ માર્કેટમાં હરીફ રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી બદલો લેવા કરવામાં આવી રહી છે.
તમામ વિમાનો FAA ધોરણોનું સંપૂર્ણપણે પાલન કરે છે
બોમ્બાર્ડિયરે ટ્રમ્પની ચેતવણીનો જવાબ આપતા કહ્યું કે તેના તમામ વિમાનો યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ધોરણોનું સંપૂર્ણપણે પાલન કરે છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે યુએસમાં તેના કાર્યોનો વિસ્તાર કરી રહી છે અને કેનેડિયન સરકાર સાથે સંપર્કમાં છે. કંપનીનું કહેવું છે કે દરરોજ હજારો કેનેડિયન વિમાનો સુરક્ષિત રીતે અમેરિકા જાય છે, અને આવા નિર્ણયથી મુસાફરો અને એર ટ્રાફિક બંને માટે ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો યુદ્ધનો અંત નજીક? પુતિને ઝેલેન્સકીને મોસ્કો આવવા આમંત્રણ આપ્યું



