પાકિસ્તાનમાં ટામેટાના ભાવ 600 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા! આતંકના પિયરને મળ્યા સંઘર્ષના માઠા ફળ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ટામેટાના ભાવ 600 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા! આતંકના પિયરને મળ્યા સંઘર્ષના માઠા ફળ

ઇસ્લામાબાદ: આતંકવાદનું પિયર સમાન પાકિસ્તાન હાલ તેના પાડોશી દેશ અફઘાનિસ્તાન સામે સંઘર્ષમાં ઉતરી આવ્યો હતો, જો કે હવે તેના માઠા પરિણામ પણ ભોગવી રહ્યો છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં હાલ ટામેટાના ભાવમાં પાંચ ગણો વધારો થયો અને તેનું કારણ છે અફઘાનિસ્તાન સાથે સંઘર્ષના કારણે સરહદ બંધ કરવામાં આવી છે. આથી બંને દેશમાં રોજીંદી વસ્તુઓની કિંમતમાં ધરખમ વધારો થયો છે.

11 ઓક્ટોબરથી બંને દેશો વચ્ચેની સરહદ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ છે. આ પગલું 2,600 કિલોમીટર લાંબી વિવાદિત સરહદ પર જમીની લડાઈ અને પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલાઓ બાદ ભરવામાં આવ્યું હતું, જેમાં બંને તરફ ઘણા લોકોનાં મોત થયાં હતાં.

કાબુલ સ્થિત પાક-અફઘાન ચેમ્બર ઓફ કોમર્સના વડાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, લડાઈ શરૂ થયા પછી બંને દેશો વચ્ચે તમામ પ્રકારનો વેપાર અને પરિવહન બંધ છે. તેમણે કહ્યું કે, ‘દરરોજ બંને દેશોને લગભગ 10 લાખ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.’ બંને દેશો વચ્ચે લગભગ 2.3 અબજ ડોલરનો વાર્ષિક વેપાર થાય છે, જેમાં તાજા ફળો-શાકભાજી, ખનીજો, દવાઓ, ઘઉં, ચોખા, ખાંડ, માંસ અને ડેરી ઉત્પાદનોનું મુખ્ય યોગદાન છે.

પાકિસ્તાનમાં રસોઈમાં ટામેટાંનો મોટા પાયે ઉપયોગ થાય છે. ટામેટાંના ભાવમાં 400 ટકાથી વધુનો વધારો થયો છે. હવે તે લગભગ 600 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. અફઘાનિસ્તાનથી આવતા સફરજનના ભાવમાં પણ ઝડપી વધારો થયો છે. પાક-અફઘાન ચેમ્બર ઓફ કોમર્સના વડાએ કહ્યું કે, ‘અમે દરરોજ લગભગ 500 કન્ટેનર શાકભાજીની નિકાસ માટે તૈયાર કરીએ છીએ, પરંતુ હવે તે બધા બગડી ગયા છે.’

આ પણ વાંચો…પાકિસ્તાનની આર્થિક સ્થિતી કથળી, જાહેર દેવું 286.832 બિલિયન ડોલર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button