મૂળ રાજકોટની આ મહિલાએ ઇઝરાયેલની સ્થિતિને કેમેરામાં કરી કેદ

ઇઝરાયેલમાં આતંકવાદી સંગઠન હમાસ દ્વારા વિનાશક હુમલાને કારણે સતત અફરાતફરીનો માહોલ છવાયો છે ત્યારે ઇઝરાયેલમાં રહીને નોકરી કરતી અને મૂળ રાજકોટની સોનલ ગેડીયા નામની યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો મુકી હાલની ઇઝરાયલની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
આ યુવતીએ જણાવ્યું છે કે ઇઝરાયલમાં દર વર્ષે આ પ્રકારે યુદ્ધની સ્થિતિ જોવા મળે છે. જો કે આ વખતે હમાસમાં અલગ પ્રકારની નીતિ અપનાવવામાં આવી છે, આ લોકો એવું પણ પૂછતા નથી કે રસ્તા પરનો નાગરિક ભારતીય છે કે શ્રીલંકન કે અન્ય કોઇ દેશનો, કોઇપણ વ્યક્તિ ચાલતો જતો દેખાય તેને સ્થળ પર જ ઠાર કરી રહ્યા છે. એવામાં સરકારે તમામ સ્થાનિકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે અને કોઇએ ઘરની બહાર નીકળવું નહિ તેવો આદેશ આપ્યો છે કારણકે બહાર સતત રોકેટ અને બોમ્બ વડે હુમલા ચાલુ છે.
અહી સતત બોમ્બના અવાજો સંભળાય છે તેવું વીડિયોમાં સોનલ ગેડીયાએ જણાવ્યું હતું. ગાઝા પટ્ટી પર થતા હુમલાના પણ સતત અવાજો અહીં સંભળાઇ રહ્યા છે, ઇઝરાયેલના નાગરિકોને સતત ધ્યાન રાખવા અને ઘરથી બહાર ન નીકળવાનું સરકારે જણાવ્યું છે. હમાસના આતંકવાદીઓ લોકોના ઘરમાં ઘુસીને તેમને મારી રહ્યા છે. જેથી લોકોને બહાર નીકળવામાં ખૂબ જ સાવચેતી રાખવા જેવું છે તેમ સોનલે વીડિયોમાં કહ્યું હતું.