3 મહિના સુધી અંધારામાં હતું આ ગામ, પછી…..
પૃથ્વીના એવા ભાગો છે જ્યાં મહિનાઓ સુધી સૂર્યપ્રકાશ પહોંચતો નથી. સૂર્યપ્રકાશ મનુષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યાં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વિગ્નેલા એક એવું ગામ છે જ્યાં સૂર્ય ઉગે છે,પરંતુ ચારે બાજુ ઊંચા પહાડો હોવાથી ગામમાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી.
વિગ્નેલા સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલી વચ્ચે આવેલું ગામ છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી, જ્યારે સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય છે ત્યારે ગામમાં કોઈ સૂર્યપ્રકાશ આવતો જ નથી. ગામ ચારેય બાજુથી પહાડોથી ઘેરાયેલું છે, તેથી ગામમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી. આ ગામ માટે સૂર્યપ્રકાશનો અભાવ એક મોટી સમસ્યા હતી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ગામના લોકોએ એક જોરદાર યુક્તિથી પોતાનો કૃત્રિમ સૂર્ય બનાવ્યો.
ગામના એક આર્કિટેક્ટ અને એન્જિનિયરે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો રસ્તો કાઢ્યો જેથી ગામને સૂર્યપ્રકાશ મળી શકે અને અંધારામાં ના જીવવું પડે. 2006માં તેણે મેયરની મદદથી 1 લાખ યુરો એકઠા કર્યા. આ પૈસાની મદદથી તેણે 40 ચોરસ કિલોમીટર કાચ ખરીદ્યો અને તેને પર્વતની ટોચ પર સ્થાપિત કર્યો. આ 1.1 ટનનો અરીસો 1100 મીટરની ઉંચાઈ પર પર્વત પર લગાવવામાં આવ્યો છે જેથી તેના પર પડતો સૂર્યપ્રકાશ સીધો ગામ તરફ પ્રતિબિંબિત થાય. જો કે, આ અરીસો આખા ગામને પ્રકાશિત કરી શકે તેટલો મોટો ન હતો, તેથી તેનો કોણ એવી રીતે સેટ કરવામાં આવ્યો હતો જેથી તે ગામના ચર્ચની સામેના વિસ્તારને પ્રકાશિત કરી શકે.
આ અરીસાને કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જે દિવસભર સૂર્યની ગતિને અનુસરે છે અને તે દિશામાં ફરતું રહે છે. આ અરીસો દિવસમાં 6 કલાક સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને ગામના કેટલાક ભાગને પ્રકાશિત કરે છે.