ઇન્ટરનેશનલ

ભારતના આ મિત્ર દેશમાં ભારે પૂરથી તબાહી

ભારતનો મિત્ર દેશ બ્રાઝિલ હાલમાં ભયંકર પૂરની ઝપેટમાં છે. બ્રાઝિલના દક્ષિણી રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં ભારે પૂરને કારણે છેલ્લા સાત દિવસમાં ઓછામાં ઓછા 75 લોકો માર્યા ગયા છે અને અન્ય 103 લોકો ગુમ થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે. ભારે પૂરને કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે.

આ પ્રદેશના ગવર્નર, એડ્યુઆર્ડો લેઇટે પૂર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તેમનું રાજ્ય અભૂતપૂર્વ વિનાશનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં પૂરનો કહેર ચાલુ છે. દેશની ઈમરજન્સી સેવાઓ ધરાશાયી થયેલા મકાનો, પુલ અને રસ્તાઓના કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી કરી રહી છે. બચાવ પ્રયાસો ચાલુ હોવાથી મૃત્યુઆંક વધુ વધે તેવી શક્યતા છે. ભીષણ પૂરના કારણે 88,000 થી વધુ લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે. લગભગ 16,000 લોકોએ શાળાઓ, જીમ અને અન્ય અસ્થાયી આશ્રયસ્થાનોમાં આશ્રય લીધો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા અને તેમના મંત્રીઓએ પણ હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કર્યો હતો. અવિરત વરસાદને કારણે આ વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની પહોંચ પણ ખોરવાઈ ગઈ છે.

ઇતિહાસની સૌથી ખરાબ આફતનો સામનો કરી રહ્યા હોવાનું જણાવતા ગવર્નર એડ્યુઆર્ડો લેઇટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે પૂરના કારણે રાજ્યના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે, જેને કારણે પડોશના પોર્ટો એલેગ્રેના મહાનગર અને નજીકના ડેમો પર ભારે દબાણ આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button