ગાઝામાં નિર્દોષ બાળકોના મોત અંગે આ ક્રિકેટરે વ્યક્ત કર્યું દુખ, જાણો શું લખ્યું?

નવી દિલ્હીઃ હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં બંને સેના તરફથી હુમલાઓ ચાલી રહ્યા છે. સાતમી ઓક્ટોબરથી પેલિસ્ટાઇન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયલની સીમામાં ઘૂસીને અનેક લોકોની હત્યા કરી હતી. આનો વળતો જવાબ આપવા ઈઝરાયલે પણ ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો. પણ હવે આ હુમલામાં હમાસના આતંકવાદીઓની સાથે અનેક નાગરિકોના પણ મોત થયા હતા, જેમાં સેંકડો નિર્દોષ બાળકોનો પણ સમાવેશ હતો. આ નિર્દોષ બાળકોના મોતને લઈને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે ટ્વીટ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
ઇરફાન પઠાણ હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપની મેચોમાં કોમેંન્ટ્રી કરે છે. ઇરફાન અનેક વખત વિશ્વના જૂદા જુદા મુદ્દે પોતાના વિચારો મુક્ત પણે વ્યક્ત કરે છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર કરવામાં આવેલા હુમલામાં પેલીસ્ટાઇનના અનેક બાળકોના મોત પર પોતાનો મત રજૂ કર્યો છે.
ઇરફાન પઠાણે આજે ટ્વીટ (સોશિલય મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ એક્સ) કરી લખ્યું હતું કે ગાઝામાં રોજ નિર્દોષ બાળકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને દુનિયા ચૂપ બેસી રહી છે. હું એક ખેલાડી તરીકે ફક્ત મારો અવાજ ઉઠાવી શકું છું, પણ હવે સમય આવી ગયો છે કે દુનિયાના રાજકારણીઓએ એકસાથે મળીને આ હત્યાઓને અટકાવવી જોઈએ.
છેલ્લા ૩ અઠવાડિયાથી ઇઝરાયલ ગાઝા પર સતત હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલના ડિફેન્સ ફોર્સ દ્વારા હમાસના વિસ્તારોમાં ફાઇટર પ્લેન અને ડ્રોનની મદદથી હવાઈ હુમલા કર્યા હતા અને ઇઝરાયલી ફોજ દ્વારા પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.
ઇઝરાયલની સેના દ્વારા અનેક વખત શરણાર્થી કેમ્પને પણ નિશાનો બનાવવામાં આવ્યા હતા. ગાઝાની બોર્ડર પર કરવામાં આવેલા હુમલાઓમાં અત્યારસુધીમાં ૯૦૦૦ કરતાં વધારે લોકોના મોત થયા છે, જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ છે.