દુનિયાના મોસ્ટ એક્સ્પેન્સિવ સિટીની યાદીમાં આ સિટીએ કર્યું ટોપ…
આપણે ઘણી વખત આપણા આસપાસના લોકોને એવું કહેતાં સાંભળ્યા હશે કે ભાઈસાબ આ મોંઘવારીએ તો માઝા મૂક્યા છે કે નહીં પૂછો વાત. એક સાંધતા તેર તૂટે છે અહીંયા તો. જો તમે પણ આવા રોદણાં રડતા હોવ તો આજે અમે અહીં તમને થોડી રાહત આવે એવી માહિતી લઈને આવ્યા છીએ. અહં… મોંઘવારી ઘટશે કે એવી કોઈ માહિતીની અપેક્ષા રાખી રહ્યા તો એવું નથી. પરંતુ અમે અહીં લઈને આવ્યા છીએ એવા શહેરોની વાત કે જેના વિશે સાંભળીને તમને એવી લાગણી ચોક્કસ થશે કે આપણે ત્યાં પરિસ્થિતિ આટલી કપરી તો નથી જ.
તમે પણ મોંઘવારીથી હેરાન પરેશાન છો અને તમને એવું લાગી રહ્યું હોય કે ભાઈ ખર્ચામાં ખૂબ જ વધારો થઈ ગયો છે તો જરા દુનિયાના આ શહેરો પર એક નજર નાખો કે જેથી તમને તમારા શહેરમાં મોંઘવારી એટલી નથી એ વાતનો અહેસાસ થાય છે. એટલું જ નહીં એ વાત પણ તમને રાહતનો અહેસાસ કરાવશે કે તમે દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં નથી રહેતા.
અહીંયા તમારી જાણ માટે કે દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદીની વાત કરીએ તો આ યાદીમાં ઝ્યુરિચ અન્ય શહેરોને પછાડીને નંબર વનની પોઝિશન પર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ શહેર છઠ્ઠા નંબર પર હતું પરંતુ મોંઘા ખોરાક, ગ્રોસરી અને એન્ટરટેનમેન્ટના ઊંચા ખર્ચે ઝ્યુરિચને યાદીમાં ટોચ પર ધકેલી દીધું છે. સિંગાપોર અને ઝ્યુરિચ એક સાથે ન્યૂ યોર્કને પાછળ મૂકીને વિશ્વના સૌથી મોંઘા શહેર બની ગયા છે.
જ્યારે વાત કરીએ દુનિયાના સૌથી સસ્તા શહેરોની તો આ યાદીમાં સીરિયાની રાજધાની દમાસ્કસ નંબર વનની પોઝિશન પર યથાવત છે. આ સિવાય મેક્સિકોનું સેન્ટિયાગો ડી ક્વેરેટારો અને ઓગાસકેલિએન્ટિસે ડોલર સામે પેસો મજબૂત થવાથી આ યાદીમાં સૌથી વધુ પ્રગતિ કરી છે. જયારે જાપાની ચલણ યેનની નબળાઈને કારણે ટોકિયો 23 સ્થાન નીચે ઉતરીને 60મા સ્થાન પર પહોંચી ગયું છે. ઓસાકાની વાત કરીએ તો 27મા સ્થાનથી સરકીને 70મા સ્થાન પર પહોંચી ગયું છે. સર્વેમાં કુલ 173 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સિંગાપોરમાં ઘર, કાર રાખવાનો ખર્ચ, ગ્રોસરી વગેરે જેવી વસ્તુઓની કિંમતમાં ન્યૂયોર્ક કરતાં પણ વધુ વધારો જોવા મળ્યો છે અને એને કારણે ન્યૂયોર્ક આ યાદીમાં ટોચ પર પહોંચી ગયું છે. અહીંયા તમારી જાણ માટે કે ગયા વર્ષે સૌથી મોંઘા શહેરોની આ યાદીમાં ન્યૂયોર્ક પહેલાં નંબરે હતું પરંતુ આ વર્ષે તે બે પોઝિશન નીચે આવીને ત્રીજા નંબરે પહોંચી ગયું છે. ન્યૂયોર્કની સાથે સાથે ત્રીજા સ્થાન પર જીનીવા અને હોંગકોંગનો સમાવેશ પણ થાય છે.