ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં આ બોલીવુડ અભિનેત્રીએ પેલેસ્ટાઇનને આપ્યું સમર્થન
શનિવારથી શરૂ થયેલા ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધમાં બંને તરફથી ભારે ખુવારી થઇ રહી છે. ઇઝરાયેલી મીડિયાના રિપોર્ટ મુજબ 1000થી વધુ લોકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. ભારતીય સેલેબ્રિટીઝ યુદ્ધને લઇને અલગ અલગ પ્રકારના રિએક્શન્સ આપી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી ગોહર ખાને પહેલા પેલેસ્ટાઇનને સમર્થન આપતું ટ્વીટ કર્યું હતું અને હવે સ્વરા ભાસ્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકીને પેલેસ્ટાઇનની હિમાયત કરી છે.
અભિનેત્રી સ્વરા ભાસ્કર અનેક મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો બિન્દાસપણે રજૂ કરતી હોય છે. આ પહેલા પણ રાજકીય નિવેદનો આપી તે વિવાદ સર્જી ચુકી છે. અને હવે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના યુદ્ધ વિશે પોતાનો મત રજૂ કરીને તેણે ફરી એક નવા વિવાદને જન્મ આપ્યો છે.
તેણે ઇન્સ્ટાની પોસ્ટ પર લખ્યું, “ઇઝરાયેલે જ્યારે પેલેસ્ટાઇન પર હુમલો કર્યો, તેમના ઘર તોડી નાખ્યા, ત્યાંના બાળકો, કિશોરો સહિત નાગરિકોને મારી નાખ્યા, સતત 10 વર્ષ સુધી ગાઝા પટ્ટી, ત્યાના રહીશો, ત્યાંની હોસ્પિટલો અને શાળાઓ પર હુમલા કર્યા, એ લોકોના વિસ્તારો પર કબજો જમાવ્યો ત્યારે જો તમને ભય અને આઘાત ન લાગ્યો હોય તો અત્યારે હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલાને કારણે લોકોને લાગેલા આઘાત અને ભય એ થોડુંક દંભી ગણાય.”
અભિનેત્રીના આ લખાણને પગલે સોશિયલ મીડિયા પર લોકોના અલગ અલગ રિએક્શન આવી રહ્યા છે. કેટલાક લોકો તેને જ દંભી તેમજ યુદ્ધની તરફેણ કરનાર ગણાવી રહ્યા છે તેમજ કેટલાક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે.