ઇસ્લામિક સંસ્કૃતિ અને યુરોપ વચ્ચે તાલમેલની સમસ્યા છે…જાણો આમ કોણે કહ્યું

નવી દિલ્હીઃ પોતાની વાત સ્પષ્ટપણે કહેવા માટે જાણીતાં ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે ઇસ્લામિક સંસ્કૃતિ અને યુરોપિયન સભ્યતાના મૂલ્યો અને અધિકારો વચ્ચે તાલમેલની સમસ્યા છે. જ્યોર્જિયા મેલોનીએ અલ્ટ્રા-કંઝર્વેટિવ બ્રધર્સ ઑફ ઇટાલી પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી, જેમાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનક અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક હાજર હતા.
જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે, હું માનું છું કે ઇસ્લામિક સંસ્કૃતિની એક ચોક્કસ વ્યાખ્યા અને આપણી સભ્યતાના અધિકારો અને મૂલ્યો વચ્ચે તાલમેલ નથી. તેમણે એમ પણ કહ્યું કે મારા મગજમાંથી એક વાત નીકળતી નથી કે ઇટાલીમાં મોટાભાગના ઇસ્લામિક સંસ્કૃતિ કેન્દ્રોને સાઉદી અરેબિયામાંથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
ઇટાલીના વડા પ્રધાને સાઉદી અરેબિયાના કડક શરિયા કાયદાની પણ ટીકા કરી હતી, જે ધર્મત્યાગ અને સમલૈંગિકતાને અપરાધ માને છે. શરિયા કાયદો, જેને સામાન્ય રીતે ઇસ્લામિક કાયદા તરીકે ઓળખવામાં આવે છે, તે કુરાન અને હદીસમાં સમાવિષ્ટ સિદ્ધાંતો અને નિયમોનો સમૂહ છે, જે ઇસ્લામના મૂળભૂત ધાર્મિક ગ્રંથોનું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે શરિયા એટલે લગ્નેતર સંબંધો બદલ પથ્થર મારી સજા આપવી અને ધર્મત્યાગ અને સમલૈંગિકતા માટે મૃત્યુદંડ. હું માનું છું કે આ મુદ્દા ઉઠાવવા જોઈએ અને આનો અર્થ માત્ર એ સમસ્યા પર ભાર મૂકવાનો છે કે યુરોપમાં ઇસ્લામીકરણની પ્રક્રિયા આપણી સંસ્કૃતિના મૂલ્યોથી ઘણી અલગ છે.
ઋષિ સુનકે પણ તેમની રોમની મુલાકાત દરમિયાન જ્યોર્જિયા મેલોનીના મતને સમર્થન આપ્યું હતું. શરણાર્થીઓને રવાંડા મોકલવાની ઋષિ સુનકની વિવાદાસ્પદ યોજનાને અસંખ્ય કાનૂની પડકારો અને અમાનવીય વર્તનના આરોપોનો સામનો કરવો પડ્યો છે. તો બીજી બાજુ, જ્યોર્જિયા મેલોનીએ ભૂમધ્ય સમુદ્રમાં કાર્યરત ચેરિટી રેસક્યુ જહાજોની પ્રવૃત્તિઓને મર્યાદિત કરી છે તે મામલે તેની ટીકા થઈ રહી છે.