હિંસાગ્રસ્ત દેશને મળ્યા નવા પ્રમુખ, આ જવાબદારીનો રહેશે પડકાર
ક્વિટોઃ ડેનિયલ નોબોઆ ઇક્વાડોરના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ડેનિયલ જે પ્રથમ પ્રયાસમાં પ્રમુખપદ હાંસલ કર્યું છે, પરંતુ તેમના પિતા ૫ણ તે વખતે નિષ્ફળ રહ્યા હતા. ત્રીજા પ્રમુખપદના ઉમેદવારની હત્યાના અઠવાડિયા પછી નોબોઆએ સમાજવાદી હરીફ લુઇસા ગોન્ઝાલેઝને હરાવ્યા હતા. હિંસાગ્રસત ઇક્વાડોરને ફરીથી સુરક્ષિત કરવાની જવાબદારી તેમના શિરે આવી પડી છે.
૩૫ વર્ષીય ડેનિયલ નોબોઆએ હવે ઇક્વાડોરને ફરીથી સલામત અને સુરક્ષિત બનાવવાની સાર્વત્રિક માંગનો જવાબ આપવો પડશે. ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલી હિંસામાં વધારા વચ્ચે પ્રમુખપદની રેસમાં કૂદી પડેલા તમામ ઉમેદવારોને આ દૂષણનો સફાયો કરવાની મતદારોએ વિનંતી કરી હતી.
છેલ્લા ત્રણ વર્ષમાં ડ્રગની હિંસા વધવાથી મતદારો વધુને વધુ ડરી રહ્યા છે. હત્યાઓ, અપહરણ, લૂંટફાટ અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓ રોજિંદી જીંદગીનો એક ભાગ બની ગઇ છે. ત્યારે નોબોઆને ક્રાઇમ પર અંકુશ લાદવા માટે મુશ્કેલ કાર્યનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે ઇક્વાડોર દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલો દેશ છે.
લગભગ તમામ મતોની ગણતરી સાથેસાથે ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશનિકાલ કરાયેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાફેલ કોરિયાના સાથી લુઇસા ગોન્ઝાલેઝના લગભગ ૪૮ ટકાની તુલનાએ નોબોઆ પાસે બાવન ટકા મત મળ્યા હતા.
ગોન્ઝાલેઝે સમર્થકો સમક્ષ એક ભાષણ દરમિયાન હાર સ્વીકારી હતી અને નોબોઆને તેમના પ્રચાર વચનો પૂરા કરવા વિનંતી કરી હતી, પરિણામોએ તેમને વિજયી બનાવ્યા પછી નોબોઆએ નવા રાજકીય પ્રોજેકટ, એક યુવા રાજકીય પ્રોજેક્ટ, એક અસંભવિત રાજકીય પ્રોજેક્ટ પર વિશ્વાસ મૂકવા બદઇ ઇક્વાડોરિયનોનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું હતું કે તેમનું ધ્યેય દેશમાં શાંતિ પાછી લાવવાનું, યુવાનોને ફરીથી શિક્ષણ આપવાનું તેમજ જે લોકો રોજગારની શોધમાં છે તેઓને તે માટે સક્ષમ બનાવાનું છે. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ તુરંત હિંસા, ભ્રષ્ટાચાર અને નફરતથી ગંભીર રીતે અસરગ્રસ્ત એવા દેશનું પુનઃનિર્માણ કરવા માટે કામ કરવાનું શરૂ કરશે.